- 25થી 27 નવેમ્બર સુધી વરસશે મેઘરાજા
- ચોમાસાની જેવો રહેશે આસમાનમાં માહોલ
- કમોસમી માવઠાને લઈને ખેડૂતોમાં ચિંતાનો માહોલ
ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી આસમાનમાં કાળા ડિબાંગ વાદળોનું સામ્રાજ્ય ભરપૂર રહે એવી આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. આવતી કાલથી 3 દિવસ એટલે કે 25થી 27 નવેમ્બર સુધી ગુજરાતના અલગ અલગ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદનું જોર રહેશે. જેમાં રાજ્યના અમુક ક્ષેત્રોમાં માવઠું પડવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે.
મહત્વનું છે કે અંબાલાલ પટેલની ગણતરી ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાતોમાં થાય છે. એમની નવી આગાહી અનુસાર ગુજરાતમાં જનતાને આગામી 3 દિવસ સુધી હવે કડકડતી ઠંડીની સાથે જ કમોસમી વરસાદનો ત્રાસ પણ સહન કરવો પડે તેવી ભરપૂર શક્યતાઓ છે. અંબાલાલ પટેલની આગાહી અનુસારા આગામી 3 દિવસ એટલે કે 25થી 27 નવેમ્બર સુધી રાજ્યમાં શિયાળો હોવા છતાં ચોમાસા જેવો જ માહોલ અનુભવાશે. આ ઉપરાંત મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અલગ અલગ વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે આવી જ આગાહી હવામાન ખાતા અને પરેશ ગોસ્વામી તરફથી પણ કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુધી હવામાનનો મિજાજ બગડેલો રહે તેવી પૂરી સંભાવના છે. આ કમોસમી વરસાદના પગલે હાલ ચાલી રહેલી મિશ્ર ઋતુને વધુ બગડી શકે તેમ છે અને સીઝનલ રોગચાળાની સ્થિતિ પણ રાજ્યના અમુક ભાગોમાં વકરી શકે તેમ છે.
તા. 26 અને 27 નવેમ્બરના રોજ વરસાદનું જોર વિશેષ રહે તેવી પૂરી શક્યતાઓ છે. રાજ્યના અલગ અલગ વિસ્તારો જેવા કે સોમનાથ, વેરાવળ, રાજકોટ, ભાવનગર, અમરેલી, બાબરા અને જામનગરમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, દાહોદ અને પંચમહાલના વિસ્તારોમાં પણ ભારે વરસાદની સંભાવનાઓ છે. આની સાથે જ અરવલ્લી, બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લા તેમજ તેની આસપાસના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે તેમ છે. આ વિષયમાં એવું પણ કહેવાયું છે કે 28 નવેમ્બર પછી આ વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતાઓ છે. હાલ દેશના પશ્ચિમ ભાગમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થતાં આ વરસાદની આગાહી કરવામાં આવી છે.
આ કમોસમી વરસાદની આગાહી વચ્ચે રવિ સીઝનનો પાક લેતા ખેડૂતો માટે મોટી ચિંતા વધી જવા પામી છે. કારણ કે ખેતરોમાં ઉભેલા પાક વચ્ચે આ કમોસમી માવઠાની આગાહીના પગલે પાકને મોટું નુકસાન થવાની સંભાવનાઓ છે. જેના કારણે સરકારે પણ ખેડૂતોને આ સંકટના સમયમાં તેમની પડખે ઉભી હોવાનો ભરોસો આપ્યો છે. આ મામલે વધુ મોટી અને મહત્વની વાત એ છે કે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતના અનેક માર્કેટ યાર્ડમાં અત્યારે કપાસ, મગફળી જેવી વિવિધ જણસો ઉતરવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે અમુક યાર્ડમાં ખુલ્લામાં પડેલો આ જથ્થો આ વરસાદમાં પલળીને સડી અથવા બગડી ન જાય તેના માટે ઘણાં માર્કેટિંગ યાર્ડ દ્વારા અગમચેતીના પગલાં તરીકે ખેડૂતોને તેમની જણસોને ઢાંકવા માટેની વ્યવસ્થા કરવાનું જણાવાયું છે. જેથી જગતના તાતને નુકસાન સહન કરવાનો વારો ન આવે.