• બજારમાંથી વહેતા થયા પાણી

  • ખેડૂતોના માથે ચિંતાનો વરસાદ વરસ્યો
  • ગાજવીજ અને કરા સાથે ખાબક્યો મેઘો

આજે ગુજરાતમાં ઠેર ઠેર વરસાદી માહોલ જામ્યો છે, તેનાથી જગતનો તાત મૂંઝવણમાં મૂકાયો છે. ગુજરાતના સરહદી જિલ્લા એવા બનાસકાંઠામાં અનેક જગ્યાએ કરા અને ગાજવીજની સાથે વરસાદ પડ્યો છે. જેના લીધે ખેતીને ભારે નુકસાન થયું છે. આ કમોસમી માવઠાના કારણે ઉપર તો જાણે આભ ફાટ્યું પરંતુ ખેડૂતોના માથે ચિંતાનો વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠામાં ડીસા અને દિયોદર પંથકમાં કરાની સાથે વરસાદ વરસ્યો હતો. જેના લીધે રવિ પાકની સીઝનમાં તૈયાર થઈ રહેલો પાક અને ખેતરોમાં ઉભેલો પાક બંનેને ભારે નુકસાન થયું હોવાની ભીતિ છે. વાવ, સૂઈગામ અને ભાભર પંથકમાં આસમાનમાંથી ખેડૂતોના માથે જાણે કે અભિશાપ વરસ્યો હોય તેમ કુદરતનો કહેર થઈને ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો હતો. આ વરસાદથી ઘણાં ખેતરોમાં ઉભેલા પાકનો સોથ વળી ગયો હતો. ઘણાી જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં રહેલી જણસોને પણ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી હતી.

બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદી માહોલ છવાયો છે. ડીસા, દિયોદર, કાંકરેજ, ભાભર, સૂઈગામ, વાવ, સહિતના પંથકમાં ગાજવીજ સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. કમોસમી માવઠાના લીધે ગામ અને શહેરોની વચ્ચેથી રોડ પર પાણી વહેતા થયા હતા. ચારે તરફ વરસાદી પાણીના ખાડા-ખાબોચિયા બની ગયા હતા અને ટ્રાફિક પણ અવરોધાયો હતો. વરસાદી માહોલમાં લોકોને આવાગમનમાં ભારે પરેશાનીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે હાલ રવિ પાકની સીઝન છે. પરંતુ કમોસમી માવઠાના લીધે આ પાકને પણ નુકસાન થયું હોવાની સંભાવના છે.

આ ઉપરાંત બનાસકાંઠામાં ખેડૂતોને આ વરસાદથી મોટું નુકસાન સહન કરવું પડી શકે તેમ જણાઈ રહ્યું છે. શિયાળાની ઋતુમાં રવી સીઝનના પાકને ભારે નુકસાન થઈ શકે તેવી ભીતિ સેવાઈ રહી છે. કરા સાથેના વરસાદે ઘણી જગ્યાએ પાકનો સોથ વાળી દીધો છે. જેના પગલે ખેડૂતો પણ ચિંતાતુર થઈ ગયા છે અને એરંડા, બટાટા, જીરું સહિતના પાકને નુકસાન થવાની સંભાવના સેવાઈ છે. માવઠાના પગલે બટાકાના પાકને પણ મોટી અસર થાય તેવી ભીતિ વર્તાઈ છે. 

  • Follow us on: