- માવઠાને લઈ સુરતમાં વિઝિબિલિટીમાં ઘટાડો
- રાજકોટ અને સૌરાષ્ટ્રમાં વરસાદ સાથે કરા પડ્યા
- વિઝિબિલિટી ઘટતા વાહનની લાઈટ ચાલુ કરવી પડી
રાજ્યમાં વરસાદી માહોલની અસર જોવા મળી રહી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં સુરત શહેરના અનેક વિસ્તારમાં કમોસમી વરસાદ માહોલ જામ્યો છે. આ વચ્ચે માવઠાને લઈ સુરતમાં વિઝિબિલિટીમાં ઘટાડો જોવા મળ્યો છે. વિઝિબિલિટી ઘટતા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
વિઝિબિલિટીમાં ઘટતાં હાલાકી વધી
હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે વરસાદ શરૂ થયો છે. તેમજ વિજળીના કડકા ભડકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો છે. આ ઉપરાંત કેટલાંક વિસ્તારોમાં વરસાદ સાથે કરા પડ્યાની પણ ઘટના સામે આવી છે. આ વચ્ચે વિઝિબિલિટી ઘટતા વાહનની લાઈટ ચાલુ કરવી પડી રહી છે.

વરસાદ વચ્ચે કરા પણ પડ્યા
આ તરફ સૌરાષ્ટ્રના પણ વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ વચ્ચે કરા પણ પડ્યા છે. જિલ્લાના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદ શરૂ થયો છે. જેમાં ગોંડલ, શાપર અને વેરાવળ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ભારે વરસાદ સાથે અમુક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે.

હવામાન વિભાગે કરેલી આગાહી ના પગલે વરસાદ શરૂ થતાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. જેમાંવરસાદને લઈને શિયાળુ પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થવાની પણ સંભાવના રહેલી છે. જીરું, ચણા સહિતના પાકમાં મોટા પ્રમાણમાં નુકસાન થતા ખેડૂતો ચિંતિત બન્યા છે.
રાજ્યમાં ગીર સોમનાથમાં વધુ વરસાદ
શનિવારથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. જેમાં રાજ્યમાં 20 તાલુકામાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ વચ્ચે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથ જિલ્લામાં નોંધાયો છે. જેમાં તાલાલા, વેરાવળમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ વંથલીમાં એક ઈંચ વરસાદ પડ્યો છે. જેના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.