• ભરૂચ જિલ્લાના વાગરામાં માવઠાની અસર
  • ભરૂચના કેટલાક સ્થળો પર કમોસમી વરસાદ
  • માવઠાના પગલે ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે આજે સવારથી દક્ષિણ ગુજરાતના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં ભરૂચ જિલ્લામાં અને સુરત જિલ્લાના કેટલાંક ભાગોમાં ઝરમરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.

ભર શિયાળે ચોમાસું જામ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો છે. જેમાં ક્યાંક ધીમીધારે તો ક્યાંક મુશળધાર વરસાદ વરસ્યો હતો. સવારથી અંકલેશ્વર જિલ્લાના અનેક ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. તો સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં વરસાદના કારણે ખેડૂતોમાં ચિંતા વધી છે.

આજે દક્ષિણ ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. વહેલી સવારે દક્ષિણ ગુજરાતના જુદા જુદા વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં ઝરમર વરસાદ વરસ્યો હતો. તો અંકલેશ્વર જિલ્લાના અનેક ગામોમાં મુશળધાર વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે રસ્તાઓ પર વિઝીબીલીટી પણ ઓછી થઈ ગઈ હતી.

માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે

આ તરફ રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 27 નવેમ્બર સુધી ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડનું તંત્ર સતર્ક બન્યું છે. આજથી ત્રણ દિવસ મરચાં-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તો કપાસ રાખવા માટે પૂરતી વ્યવસ્થા હોવાથી એની આવક ચાલુ રાખવામાં આવી છે તેમજ સાવચેતીના ભાગરૂપે ખેડૂતોને તાડપત્રી રાખવા અપીલ કરવામાં આવી છે. જોકે આ દિવસો દરમિયાન વાતાવરણ સારું રહેશે તો આવક શરૂ કરી દેવામાં આવશે.

  • Follow us on: