- મરચા અને મગફળીની આવક 3 દિવસ સુધી બંધ
- કપાસ રાખવા માટે માર્કેટિંગ યાર્ડમાં શેડની વ્યવસ્થા
- દિવાળીમાં યાર્ડ બંધ રહ્યું હોવાથી યાર્ડ બંધ નહીં રહે
આગામી 4 દિવસ રાજકોટ,સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં કમોસમી વરસાદની આગાહી છે. જેના પગલે ખેડૂતોમાં અત્યારથી ચિંતા વ્યાપી છે. આ તરફ વરસાદની આગાહીના પગલે રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ખાસ તૈયારી કરવામાં આવી છે. આ માટે મરચાં અને મગફળીની આવક આગામી 3 દિવસ સુધી બંધ કરવામાં આવી છે.
છેલ્લા થોડાં દિવસથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ વચ્ચે રાજ્યના વિવિધ માર્કેટિંગ યાર્ડમાં પણ જણસને ઢાંકી રાખવા માટેની તેમજ વરસાદમાં ખરાબના થાય તેવી વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. જો વરસાદી વાતાવરણ નહિ હોય તો મગફળી અને મરચા લાવવા માટે ખેડૂતોને સૂચના આપવામાં આવશે.
શેડની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી
તેમજ કપાસ રાખવા માટે માર્કેટિંગ યાર્ડમાં શેડની પૂરતી વ્યવસ્થા છે. આ ઉપરાંત જૂના માર્કેટીંગ યાર્ડમાં ડુંગળીની આવક શનિ-રવિ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેની સાથે જ આવક થયેલી ડુંગળી શેડમાં રાખવામાં આવી છે. જ્યારે હાલમાં જ દિવાળી તહેવારમાં યાર્ડ બંધ રહ્યું હોવાથી યાર્ડ બંધ નહિ રાખવાનો નિર્ણય કર્યો છે.

જ્યારે હવામાનની પરિસ્થિતિ મુજબ જો વરસાદી વાતાવરણ નહિ હોય તો મરચા અને મગફળી આવક શરૂ કરી દેવામાં આવશે. તેમજ ખેડૂતોને પોતાની જણસી સાથે તાડ પતરી લાવવા માટે યાર્ડ દ્વારા સૂચના આપવામાં આવી છે. વરસાદ આવે તો પણ ખેડૂતોની જણસીને નહિવત્ નુકસાન થાય તે રીતનું માર્કેટીંગ યાર્ડ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
શનિ-રવિ અમુક આવક બંધ રહેશે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આજથી 27 નવેમ્બર સુધી ત્રણ દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેને લઈને રાજકોટના માર્કેટિંગ યાર્ડનું તંત્ર સતર્ક બન્યું છે. આજથી ત્રણ દિવસ મરચાં-મગફળીની આવક બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, જ્યારે જૂના માર્કેટિંગ યાર્ડમાં શનિ-રવિ ડુંગળીની આવક બંધ કરવામાં આવી છે. તો કપાસ રાખવા માટે પૂરતી વ્યવસ્થા હોવાથી એની આવક ચાલુ રાખવામાં આવી છે તેમજ સાવચેતીના ભાગરૂપે ખેડૂતોને તાડપત્રી રાખવા અપીલ કરવામાં આવી છે. જોકે આ દિવસો દરમિયાન વાતાવરણ સારું રહેશે તો આવક શરૂ કરી દેવામાં આવશે.