• 160થી વધુ સ્ટોલ જમીનદોસ્ત, 2 લોકો ઘાયલ
  • ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
  • સોમનાથ મેળામાં કરોડોના નુકસાનની ભીતિ

ગીર સોમનાથમાં કમોસમી વરસાદે વિનાશ વેર્યો છે. સોમનાથ કાર્તિકી પૂર્ણિમા મેળામાં વિનાશના ભયાનક દ્રશ્યો સામે આવ્યા છે. કાર્તિકી પૂર્ણિમા મેળો 2023 ભારે ઉલ્લાસ અને ઉત્સાહ સાથે સોમનાથ ગીતામંદિર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજવામાં આવ્યો હતો. ત્યારે મેળાના અંતિમ દિવસે વહેલી સવારે ભારે માત્રામાં કમોસમી વરસાદ અને તોફાની પવનના પગલે મેળા ગ્રાઉન્ડ ખાતે ઉભા કરાયેલ સ્ટોલ, પોલ, ડોમ સહિતની વ્યવસ્થાઓને નુકસાન પહોંચ્યું છે.

આ વચ્ચે 160 થી વધુ સ્ટોલ જમીનદોસ્ત થયા છે. તેમજ વરસાદ અને ભારે પવનના કારણે 02 લોકો ઇજાગ્રસ્ત થયા છે. જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. તેમજ સોમનાથ મેળામાં કરોડોના નુકસાનની ભીતિ રહેલી છે. હાલમાં સોમનાથ ટ્રસ્ટ, જિલ્લા વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ મેળા ગ્રાઉન્ડ પર ઉપસ્થિત રહી કામગીરી કરી રહ્યા છે.


વેપારીઓ અને મેળામાં આવનાર સેહલાણીઓની સલામતીને ધ્યાનમાં લઈને આજે કાર્તિકી પૂર્ણિમાએ 26 નવેમ્બરના રવિવારના રોજ કાર્તિકી પૂર્ણિમાનો પાંચમા દિવસનો મેળો મોકુફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રીતે 5 દિવસીય મેળો 1 દિવસ અગાઉ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે રાત્રે મહાઆરતી માટે સોમનાથ મંદિર નિયત કાર્યક્રમ અનુસાર દર્શનાર્થીઓ માટે ખુલ્લું રાખવામાં આવશે. જેમાં મોટી સંખ્યામાં દર્શન કરવા માટે ભક્તો પહોંચી રહ્યા છે. તેમજ દરિયાકિનારે પણ ભારે પવનના કારણે મોજા ઉછળી રહ્યા છે.


  • Follow us on: