બનાસકાંઠામાં ભર ઉનાળે કેનાલો કોરી ધાકોર જોવા મળી રહી છે. ઉનાળુ પાકની તૈયારી કરી રહેલા ખેડૂતોને સિંચાઈ માટેના પાણી માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થઈ રહ્યું છે. ઉનાળામાં જળાશયોમાં પાણીનો જથ્થો ખૂટ્યો હોવાથી ખેડૂતોએ કેનાલમાં પાણી છોડવા માગ કરી હતી. બે દિવસ પહેલા કેનાલમાં પાણી બંધ કરી દેવાતા ખેડૂતો રોષે ભરાયા હતાં.કાંકરેજની ચાંગા કેનાલ પર પહોંચીને ખેડૂતોએ વિરોધ કર્યો હતો.સિંચાઈના પાણીની માગ સાથે ખેડૂતોએ ધરણાં યોજ્યા હતાં.હવે ખેડૂતોએ સિંચાઈના પાણી માટે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
કાંકરેજની ચાંગા કેનાલ પર પહોંચીને વિરોધ કર્યો હતો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળામાં પાણીની અસહ્ય તંગી સર્જાતી હોય છે. જેના કારણે ખેડૂતોને ઉનાળુ પાકના વાવેતર માટે સિંચાઈનું પાણી મેળવવા માટે વલખા મારવા પડે તેવી સ્થિતિનું સર્જન થતું હોય છે. બે દિવસ પહેલા રાધનપુર ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી છોડવાનું બંધ કરી દેવાતા આ કેનાલ હાલ કોરી ધાકોર જોવા મળી રહી છે. બનાસકાંઠાના ખેડૂતોએ કાંકરેજની ચાંગા કેનાલ પર પહોંચીને વિરોધ કર્યો હતો.
કાર્યક્રમમાં અન્ય ખેડૂતોને જોડાવા પણ આહ્વાન
સિંચાઈનું પાણી નહીં મળવાને કારણે હવે ખેડૂતો આંદોલનની ચીમકી ઉચ્ચારી રહ્યાં છે. આજે ખેડૂતોએ કેનાલમાં ઉતરીને પાણીની માગ સાથે ધરણાં કર્યા હતાં. આવતી કાલે ચાંગા પમ્પીંગ સ્ટેશન ખાતે ખેડૂતો ધરણાં કરશે. બનાસકાંઠાના દિયોદર અને લાખણીના ખેડૂતો પાણીની માગ સાથે ધરણાં યોજશે. ખેડૂતોએ સિંચાઈ માટે કેનાલમાંથી પાણી છોડવા માગ કરી હતી. પાણીની માગ સાથે ખેડૂત આગેવાનોએ ધરણા કાર્યક્રમમાં અન્ય ખેડૂતોને જોડાવા પણ આહ્વાન કર્યું હતું.
અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં
સિંચાઈના પાણી માટે અધિકારીઓને આવેદનપત્રો પાઠવીને અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ નહીં આવતા દિયોદર, લાખણી સહિતના ખેડૂતોએ આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી. ચાંગા પમ્પીંગ સ્ટેશનથી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવા માટે ખેડૂતોએ માગ કરી હતી. આ અંગે ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ચાંગા પમ્પીંગ સ્ટેશન પર ધરણા કાર્યક્રમમાં જોડાવા માટે આહ્વાન કર્યું હતું.