- વડાલી તાલુકાના ખેડૂતોએ નુકસાનને લઈ સહાયની કરી માંગ
- પાકના નુકસાનને લઈ ખેડૂતો સરકાર સુધી જવા તૈયાર
- 10 દિવસમાં આર્થિક સહાય ચૂકવાય તેવી ખેડૂતોની માંગ
સાબરકાંઠાના પોશીના, ખેડબ્રહ્મા, વિજયનગર વડાલી સહિત ઇડરના ગ્રામ્ય વિસ્તારોમાં ગતરોજ થયેલા કરા સાથેના વરસાદના પગલે ખેડૂતો પાયમાલ થઈ ચૂક્યા છે જેમાં વડાલી પંથકમાં 12,665 હેક્ટરમાં ઘઉં તેમજ 800 હેક્ટરમાં ચણાનું વાવેતર કરાયું છે સાથોસાથ 630 હેક્ટરમાં શાકભાજી સહિત જીરું અને મકાઈનું વાવેતર પણ મોટા પ્રમાણમાં થયેલું છે.વડાલી તાલુકાના વાસણા, ભંડવાલ, કેસરગંજ, રહેડા, અરસામડા, અસાઈ, બડોલ, કંજેલી, વડગામડા, મોરડ, ચામુ, મેધ, ડોભાડા ગામડી, ધામડી, જેવા આજુબાજુ ના તમામ મોટાભાગના વડાલી તાલુકાના ગામોમાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.
નાયબ મામલતદારને આવેદનપત્ર
વડાલી, ઈડર, ખેડબ્રહ્મા સહિતના ગામડાઓમાં અચાનક થયેલા કરા સાથેના વરસાદથી તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે.ત્યારે આજે વડાલી નાયબ મામલતદારને આવેદનપત્ર આપી આવતીકાલથી જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને પણ રૂબરૂ આવેદનપત્ર આપવા માટેના કાર્યક્રમો નક્કી થયા છે,જો કે ગત રોજ થયેલો વરસાદ જાણે કે કુદરતે આફત સમાન વડાલી તાલુકાને ટાર્ગેટ કર્યો હોય તેમ ભારે પવન અને કમોસમી વરસાદ સાથે બરફના કરા પડતા ખેડુતો માથે આભ તુટી પડયું છે.આ મામલે વડાલી તાલુકાનાં ખેડુતોએ એકઠા થઈ રવિવારે વડાલી APMC થઈ મામલતદાર કચેરી સુધી ચાલતાં જઈ નારા સાથે આવેદનપત્ર આપ્યું હતું.જો કે ગતરોજ થયેલો વરસાદ સમગ્ર વડાલી પંથકના ખેડૂતોને પાયમાલ કરવા સક્ષમ હોય તેમ મોટાભાગનો પાક જમીન દોષ થયો છે.જેથી ખેડૂતોએ હવે આગામી દસ દિવસમાં સરકાર દ્વારા ચોક્કસ પગલાં લઈ આર્થિક સહયોગ તેમજ સ્પેશિયલ પેકેજની માંગ કરી છે.

શું છે ખેડૂતોની માંગ
આગામી સમયમાં તંત્ર દ્વારા કેવા અને કેટલાક નિર્ણય લેવાય છે તે પણ મહત્વનું બની રહેશે સાથો સાથ ચૂંટણીના સમય ખેડૂતોનો તૈયાર પાક નિષ્ફળ બન્યો છે ત્યારે રાહત પેકેજ ઉપર પણ ખેડૂતોની મદાર રહેશે તે નક્કી છે તેમજ જો આવનાર દસ દિવસમાં માગણી સંતોષવામાં ન આવી તો વડાલી તાલુકાનાં ખેડૂતો તેમજ કિસાન સંઘ સાથે રહી ગાંધી ચિધ્યા માર્ગે એક નવા આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
