અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતીમાં ફર્જીવાડો થયો હોવાનું સામે આવતા આકરા પગલાં લેવામાં આવ્યા છે. AMCના કર્મચારી દ્વારા જ માર્કશીટમાં છેડછાડ કરી ખોટી રીતે ભરતી કરાવવામાં આવી હોવાનું સામે આવતા મામલો પોલીસ મથક પહોંચ્યો છે. ત્યારે શું છે સમગ્ર મામલો અને કઈ ભરતીમાં છબરડા થયા આવો જાણીએ આ અહેવાલમાં.


આન્સર કી ચકાસતા સમગ્ર ગોટાળો આવ્યો સામે

અમદાવાદ મનપામાં ટેક્નિકલ સુપરવાઈઝરની 93 પોસ્ટ માટે ભરતી પ્રક્રિયા કરાઈ હતી, જેની પરીક્ષા ગત 18 ઓગસ્ટે યોજવામાં આવી હતી. જેમાં મનપાની સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા પુલકિત સથવારા દ્વારા અમદાવાદના મોનલ પટેલ અને તમન્ના કુમારી પટેલ અને કડીના જય પટેલના પરિણામમાં છેડછાડ કરી તેમને કટ ઓફ માર્કથી ઉપર માર્ક આપવામાં આવ્યા અને તેના આધારે આ તમામ ત્રણને પોસ્ટિંગ પણ આપી દેવામાં આવ્યું હતું, પરંતુ સમગ્ર પ્રકરણ સામે આવતા આ ત્રણને નોકરીમાંથી બરતરફ કરી દેવામાં આવ્યા છે, જ્યારે આ કૃત્ય કરનાર પુલકીતને સસ્પેન્ડ કરી તેની સામે ખાતાકીય તાપસ શરુ કરવામાં આવી છે. બીજી તરફ કારંજ પોલીસ મથકે પુલકિત સામે ફરિયાદ નોંધાવવા માટે મનપાએ કવાયત પણ શરુ કરી છે.

3 વ્યક્તિને ખોટા માર્ક આપી કટ ઓફથી ઉપર લેવાયા

થોડા દિવસ પહેલા મનપાને એક અરજી મળી હતી, જેમાં આ ત્રણના પરિણામમાં છેડછાડ કરી તેને પાસ કરવામાં આવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જેથી તેના આધારે આંતરિક રીતે તપાસ આરંભવામાં આવી હતી, જેમાં માલુમ પડ્યું હતું કે પુલકિત દ્વારા આ ત્રણને મળેલા માર્ક કરતા વધારે માર્ક આપી ઊંચું પરિણામ તૈયાર કરવામાં આવ્યું છે. જ્યારે પરીક્ષા લેવાઈએ દિવસે OMR સીટ ઓનલાઈન મુકવામાં આવી હતી અને પરિણામ પર વાંધા અરજીઓ મંગાવવામાં આવી હતી, જે બાદ OMR સીટ રી અપલોડ કરાઈ હતી અને બાદમાં મામલો હાઈકોર્ટમાં ગયો હતો. જે બાદ અધિકારીઓને નનામી અરજી મળતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવતા કૌભાંડનો ખુલાસો થયો હતો.

કારંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ

હાલમાં મનપા દ્વારા સેન્ટ્રલ ઓફિસ ખાતે ફરજ બજાવતા પુલકિત સામે કારંજ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા માટે કાર્યવાહી શરુ કરાઈ છે, તેમના દ્વારા નાણાં વ્યવહાર થયો છે કે નહીં? પુલકીતનો સંપર્ક કેવી રીતે આ ત્રણ લોકોને થયો? આ તમામ બાબતો ફલિત થયા બાદ પોલીસ તેની સામે કાર્યવાહી કરે છે કે કેમ? અને મનપાના અન્ય કોઈ કર્મચારીની સંડોવણી છે કે નહીં પુલકિત દ્વારા અગાઉ લેવામાં આવેલી કોઈ પરીક્ષામાં છબરડા કરવામાં આવ્યા કે નહીં તે દિશામાં તપાસ શરુ કરવામાં આવી છે. 

  • Follow us on: