ગઢડા(સ્વામીના) ભારતીય જનતા પાર્ટી દ્વારા ગત બે માસ પહેલા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે નિમણૂંક કરેલા પ્રકાશભાઈ સાંકળીયાની સોશિયલ મીડિયા પોસ્ટ મુદ્દે શરૂ થયેલા વિવાદ બાદ જૂના પ્રમુખને અધ્ધરતાલ રાખી નવા પ્રમુખની નિમણૂંક જાહેર કરી દેવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગત અનુસાર ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશભાઈ વશરામભાઇ સાંકળીયાએ ગત અઠવાડિયે સંઘના દિગ્ગજ નેતા સંજયભાઈ જોષીને સોશિયલ મીડિયાના માધ્યમથી જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી.
તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું માગવામાં આવતા રાજકારણ ગરમાયું હતુ
જેના પગલે ભાજપ નેતાગીરીનો રાષ્ટ્રીય આંતરીક વિખવાદ સપાટી ઉપર આવ્યો હતો. આ બાબતે પ્રકાશ સાંકળીયાના જણાવ્યા મુજબ જન્મ દિવસની શુભેચ્છા પાઠવવા બદલ પ્રદેશમાંથી બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખને તાલુકા ભાજપ પ્રમુખ પ્રકાશ સાંકળીયાનું રાજીનામું લેવા માટે સૂચના અપાઈ હતી. બીજી તરફ જિલ્લા પ્રમુખ તરફથી રાજીનામા માટે કોઈ પ્રકારનું કારણ જાહેર કરવાનું ટાળીને રાજીનામું માગવામાં આવ્યું હોવાની વાતને પુષ્ટિ આપી હતી. આ સૂચનાના પગલે તાલુકા ભાજપ પ્રમુખનું રાજીનામું માગવામાં આવતા રાજકારણ ગરમાયું હતુ. પરંતુ પોતે પાર્ટી વિરૂદ્ધ કોઈ ખોટુ કાર્ય નહીં કર્યું હોવાથી રાજીનામું આપવાનો ઈન્કાર કર્યો હતો.
કાપરડી ગામના કાર્યકર દિલીપભાઈ ડુંગરભાઈ ડાભીની નવા પ્રમુખ તરીકે નિમણૂક
આ વિવાદના પગલે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ સમિતિ સાથે સંકલન ચર્ચા કરી, વીટો પાવર વાપરીને ગઢડા તાલુકા ભાજપ પ્રમુખ તરીકે કાપરડી ગામના કાર્યકર દિલીપભાઈ ડુંગરભાઈ ડાભીની નવી નિમણુંક જાહેર કરી દેવામાં આવી છે. આમ, બદલાયેલા નવા તાલુકા ભાજપ પ્રમુખને સંગઠન દ્વારા આવકારી સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતુ. ઉલ્લેખનીય છે કે જૂના પ્રમુખ પ્રકાશ સાંકળીયાને જવાબદારી મુકત કરવા તેમજ કારણદર્શક નોટીસ આપવા જેવી બાબતો પણ કરવામાં નહીં આવતા જૂના પ્રમુખ અધ્ધરતાલ રહેવા પામેલ છે.