ગઢડાના ચિરોડા ગામના પિતા પુત્રનું અપહરણ કરનારા ફરાર 4 શખ્સોની પોલીસે ધરપકડ કરી લીધી છે. ગઈકાલે ચિરોડા ગામે રાજકોટના 7 શખ્સો બે ઈકો ગાડી લઈને આવ્યા હતા અને પિતા પુત્રનું અપહરણ કર્યું હતું. જેમાંથી 3 આરોપી પકડાયા હતા અને 4 લોકો ફરાર હતા, જેમને પોલીસે ઝડપી લીધા છે. ગઢડા પોલીસે પિતા પુત્રને અપહરણ કર્તાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યા છે.
પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
ગઢડા પોલીસે ખેગારભાઈ જાગાભાઈ ચાવડીયા, ડાયાભાઈ હેમાભાઈ ચાવડીયા, મોમભાઈ વિહાભાઈ ચાવડીયા, નવઘણભાઈ વિહાભાઈ ચાવડીયાની ધરપકડ કરી લીધી છે. ગઢડા પોલીસે ફરાર ચારેય અપહરણ કર્તાઓની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ચિરોડા ગામે એક પ્રેમ પ્રકરણમાં પિતા-પુત્રના અપહરણની ઘટના બનતા પોલીસને જાણ થતા ગણતરીની કલાકોમાં અપહૃતોને છોડાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
7 શખ્સોએ 2 ઈકો ગાડીમાં અપહરણ કર્યું હતું
આ અંગે પોલીસ તરફથી જાણવા મળતી વિગત અનુસાર ચિરોડા ગામના ઘુઘાભાઈ કાબાભાઈ વણોદિયા અને તેમના પુત્ર રાહુલનું ગઈ કાલે સાંજે 7 શખ્સોએ 2 ઈકો ગાડીમાં અપહરણ કર્યું હતું. અપહરણના પગલે અપહૃતના પત્નીએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ અનુસંધાને પોલીસે જિલ્લામાં નાકાબંધી કરી અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. જેના પગલે એક ઈકો ગાડીને બોટાદથી પકડી ઘુઘાભાઈને છોડાવવામાં આવ્યા હતા. તેમજ બીજી ઈકો ગાડીમાં રહેલા આરોપીઓએ રાહુલને સાયલા રોડ પર છોડી દીધો હતો.
અપહરણ પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત
આ ઘટના પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું જાણવા મળ્યું હતું. જેમાં ઘુઘાભાઈનો પુત્ર આકાશ જે રાજકોટમાં વિરમભાઈ ચાવડીયાની આઈસર ગાડી ચલાવતો હતો. તેને વિરમભાઈના ભાઈની પત્ની સાથે પ્રેમ સંબંધ હોવાથી તેની સાથે ભાગી ગયો હતો. આ સંદર્ભે પોલીસે વિરમભાઈ જાગાભાઈ ચાવડીયા, રામભાઈ જાગાભાઈ ચાવડીયા અને દેવાભાઈ ઝાપડાનીની ધરપકડ કરી હતી. આ ફરિયાદમાં કુલ 7 શખ્સો સામે અપહરણ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.