ગઢડા(સ્વામીના) શહેરમાં આહિર સમાજ અને કૃષ્ણ ભક્તોએ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સાધુ દ્વારા દ્વારકાધીશ મુદ્દે કરવામાં આવેલી વિવાદાસ્પદ ટીપ્પણીના પગલે ઉગ્ર વિરોધ નોંધાવી રેલી યોજી આવેદનપત્ર પાઠવ્યું હતુ. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક સાધુઓ દ્વારા કરવામાં આવતી કથા, વાર્તાઓ દરમિયાન સનાતન અને મૂળ હિન્દુ ધર્મના ગ્રંથો વિરૂદ્ધ મનઘડંત સાહિત્યની રચના, લખાણ, પ્રસંગો લખીને દેવી દેવતાઓને નીચા બતાડતી અને એક માત્ર પોતાના ઈષ્ટ સર્વોપરી હોવાનું અને અન્ય દેવી દેવતાઓ તેમના દાસ હોવાની કહેવાતી કથિત વાતોથી ભારે વિવાદ અને રોષ ફેલાવા પામ્યો છે.


મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો

દિવસે દિવસે એક પછી એક સાધુઓના બફાટ કરતા વીડિયો વાઈરલ થતાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. આ દરમિયાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે દ્વારકા જવાની જરૂર નહીં હોવાની વાત એક સાધુએ કરતા ગઢડા શહેરમાં આહિર સમાજ તથા સનાતન હિન્દુ સંસ્થાઓ વિશ્વ હિન્દુ પરિષદ, રથયાત્રા સમિતિ અને ગુજરાત આહિર સેના ગૃપના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વિરોધ નોંધાવ્યો હતો.

આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન માટે ચીમકી

આ માટે સવારે 11-00 કલાકે મચ્છુ ધામ ખાતેથી સૂત્રોચ્ચાર અને વિરોધ દર્શાવતા બેનરો સાથે વિશાળ રેલી યોજી સ્વામિનારાયણ મંદિર ખાતે સૂત્રોચ્ચાર પોકારી ગઢડા મામલતદાર સમક્ષ આવેદનપત્ર પાઠવી સનાતન વિરોધી હંબક સાહિત્ય રદ કરવા તેમજ અવાર નવાર બકવાસ કરતા 'બકાસુરો' વિરૂદ્ધ ધર્મ ભાવનાને ઠેસ પહોંચાડવા મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવા માગ કરવામાં આવી હતી. ઉપરાંત વિવાદાસ્પદ અને કપોળકલ્પિત સાહિત્ય રદ કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન માટે ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

  • Follow us on: