ગુનાહિત પ્રવૃતિઓ આચરીને પોલીસને ચકમો આપીને ફરાર થયેલા આરોપીઓ સામે ગાંધીનગર પોલીસે ડ્રાઈવ શરૂ કરી છે. ગાંધીનગર LCBએ અલગ અલગ ગુનામાં નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડ્યા છે. પ્રોહિબિશનના કેસમાં 24 વર્ષથી ફરાર બબલુ સદરા નામના આરોપીને એલસીબીએ ઝડપી પાડ્યો છે. આ સિવાય ઠગાઈના બે અલગ-અલગ કેસમાં ફરાર થયેલા 2 આરોપીઓ પણ ઝડપાયા છે.
ત્રણેય આરોપીઓની મહારાષ્ટ્રથી કરવામાં આવી ધરપકડ
ઠગાઈના કેસમાં ગાંધીનગરના ઈન્ફોસિટી પોલીસ મથકના કેસમાં 5 વર્ષથી ફરાર મિલનરાજ ચૌહાણની પણ LCBએ ધરપકડ કરી છે. ત્યારે માણસા પોલીસ મથકમાં ઠગાઈના કેસમાં ત્રણ વર્ષથી ફરાર ભાર્ગવ પટેલની પણ LCBએ ધરપકડ કરી લીધી છે. આ ત્રણેય આરોપીઓની મહારાષ્ટ્રથી ધરપકડ કરવામાં આવી છે.
પોલીસ ખૂંખાર આરોપીને શોધતી રહી અને આરોપી આખરે જેલમાંથી જ મળી આવ્યો
ગઈકાલે પણ રાજ્યમાં એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો હતો. છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત પોલીસ એક ખૂંખાર આરોપીને શોધતી રહી અને આરોપી આખરે જેલમાંથી જ મળી આવ્યો છે. નવસારી LCBએ ફરાર આરોપીને શોધી કાઢ્યો છે. પોલીસ ખૂંખાર આરોપી સુરેન્દર ચોટીને શોધતી રહી અને તે છેલ્લે જેલમાંથી જ મળ્યો છે. આરોપી કૂલ 73 ગુનામાં સંડોવાયેલો છે.
2010માં અમદાવાદના વસ્ત્રાપુરમાંથી કરી હતી ચોરી
મૂળ હરિયાણાનો સુરેન્દર ઉર્ફે ચોટી રણવીરસિંહ ચૌહાણ વર્ષ 2011માં ફરાર થયો હતો. દિલ્હી, હરિયાણા અને ગુજરાતમાં મળીને આરોપી કુલ 73 ગુનામાં સંડોવાયેલો હતો. વર્ષ 2010માં અમદાવાદ શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાંથી 100 તોલા દાગીના સહિત રૂપિયા 15 લાખથી વધુ મત્તાની ચોરી કરી હતી. ત્યારબાદ અમદાવાદ શહેરમાં આચરેલા ગુનામાં સુરેન્દરને સાબરમતી જેલમાં મોકલાયો હતો. ગુજરાત પોલીસ કેદી સુરેન્દર ચોટીને દિલ્હી કોર્ટમાં લઈ ગઈ હતી તે સમયે આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો હતો.