વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બે દિવસીય ગુજરાતની મુલાકાતે છે.27મી મેના રોજ ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં વિવિધ વિભાગો હેઠળ 5536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાનના હસ્તે કરવામાં આવશે.જેમાં ગુજરાતના નાગરિકોની આરોગ્ય અને સુખાકારીમાં વધારો કરતા અંદાજીત રૂ.672 કરોડના મહત્વના બે પ્રકલ્પોનું ઇ-લોકાર્પણ અને ઇ-ખાતમુહૂર્ત કરાશે.


600 બેડની નિર્માણાધીન હોસ્પિટલના ગ્રાઇન્ડથી ત્રીજા માળ સુધી રહશે

રાજ્ય સરકાર દ્વારા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે રૂ.84 કરોડના ખર્ચે નિર્માણ કરેલ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરના સેટેલાઇટ સેન્ટરનું વડાપ્રઘાનના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે.હાલ આ સેટેલાઇટ સેન્ટર ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર સ્થિત છે અને હાલની 600 બેડની નિર્માણાધીન હોસ્પિટલના ગ્રાઇન્ડથી ત્રીજા માળ સુધી રહશે.કુલ 96 બેડથી સજ્જ આ હોસ્પિટલમાં અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રકચર,તબીબી ઉપકરણો, બે સંપૂર્ણ હાઇ-એન્ડ મોડ્યુલર ઓપરેશન થિયેટર,એક અત્યાધુનિક કેથલેબ,41 આઇ.સી.યુ.ક્રિટીકલ કેર બેડ,19 સ્ટેપ-ડાઉન આઇ.સી.યુ.,જનરલ વોર્ડ,OPD વિભાગ, ઇન-હાઉસ ડાયગ્નોસ્ટિક્સ,ઇમરજન્સી વિભાગ અને એક્ઝિક્યુટિવ હેલ્થ ચેક-અપ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ બનશે.

1800 બેડની હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે

આવનાર સમયમાં રાજ્ય સરકાર દ્વારા રાજકોટ,સુરત અને ભાવનગર ખાતે પણ યુ.એન.મહેતા કાર્ડિયાક સેન્ટરના સેટેલાઇટ સેન્ટર કાર્યરત કરવામાં આવશે. યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ અમદાવાદ દ્વારા વર્ષ 2024 માં કુલ 3,63,315 OPD અને 50 હજાર થી વધુ IPD દર્દીઓની સારવાર કરવામાં આવી છે. જેમાં 22,630 OPD અને 3,175 IPD કેસ ગાંધીનગર જિલ્લાના હતા. અમદાવાદ સિવિલ મેડિસીટીમાં રૂ. 588 કરોડના ખર્ચે નિર્માણ પામનારી 1800 બેડની હોસ્પિટલનું વડાપ્રધાનના હસ્તે ઇ-ખાતમુહૂર્ત કરવામાં આવશે.

કુલ 1800 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે

જેમાં 1300 બેડની જનરલ હોસ્પિટલ અને 500 બેડની ચેપી રોગની હોસ્પિટલ મળીને કુલ 1800 બેડની હોસ્પિટલ નિર્માણ પામશે. 1.60 લાખ ચો.મી.માં નિર્માણ પામનાર 11 માળની આ હોસ્પિટલમાં બેઝમેન્ટ 1 અને 2 માં 625 ફોર વ્હીલર તથા 1000 ટુ વ્હીલર પાર્કીંગ વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવશે.આ હોસ્પિટલમાં ઓર્થોપેડીક, પેઇન ક્લિનિક, મેડીસીન, ન્યુરો, સર્જરી, સ્કીન, ઇ.એન.ટી., સુપર સ્પેશીયાલીટી, હોમીયોપેથીક ઓપીડી, સાઇકિયાટ્રીક, બર્ન્સ વિભાગનો સમાવેશ કરવામાં આવશે.આ બિલ્ડીંગમાં કોરોના મહામારી દરમ્યાન ઉદભવેલ પરિસ્થિતને ધ્યાનમાં રાખીને ચેપી રોગના સારવાર માટેની અલાયદી સુવિદ્યા ઉપલબ્ધ કરવામાં આવેલ છે.

સિવિલ મેડિસીટી કેમ્પસમાં સિવિલ હોસ્પિટલની કામગીરી વધુ સક્ષમ બનશે

14 અદ્યતન ઓપરેશન થીયેટર જેમાં ઓ.ટી. પેન્ડન્ટ, લેમીનાર એર ફલો, ઓ.ટી. લાઇટ, કન્ટ્રોલ પેનલ, સ્ક્રબ, હેચ બોક્ષ જેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ હશે.સિવિલ હોસ્પિટલમાં દવાઓની આયોજનબધ્ધ અને ઝડપી વહેંચણી કરી શકાય તે હેતુથી સેન્ટ્રલ ડ્રગ સ્ટોર બનાવવાનું આયોજન પણ કરવામાં આવેલ છે. આમ કુલ 300 I.C.U. બેડની સુવિદ્યા, 03 વી.આઇ.પી. રૂમ, 50 સ્પેશીયલ રૂમ તથા 60 આઇસોલેશન બેડ સાથે અન્ય જનરલ બેડ અને 500 ચેપી રોગના બેડ મળીને કુલ 1800 બેડની હોસ્પિટલની સુવિદ્યા ઉપલબ્ધ કરવાનું આયોજન છે.તદ્ઉપરાંત 14 અધ્યતન ઓપરેશન થીયેટર ઉપલબ્ધ કરવાનું આયોજન છે.આ હોસ્પિટલ નિર્માણ પામતા સિવિલ મેડિસીટી કેમ્પસમાં સિવિલ હોસ્પિટલની કામગીરી વધુ સક્ષમ બનશે.


  • Follow us on: