અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં મોડી સાંજે અચાનક જ પલટો જોવા મળ્યો છે. અચાનક જ ભારે પવન ફૂંકાવા લાગ્યો છે અને ધૂળની ડમરીઓ પણ ઉડી રહી છે, અમદાવાદના નરોડા, નિકોલ, ચાંદખેડામાં અને સમગ્ર ગાંધીનગરમાં ભારે પવન ફૂંકાયો છે. ગાંધીનગર જિલ્લાના અનેક વિસ્તારમાં તો વીજળી પણ ડુલ થઈ જવાની ઘટનાઓ સામે આવી છે. ત્યારે અચાનક જ ભારે પવન ફૂંકાવાના કારણે ટુ-વ્હીલર લઈને જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે.
ત્યારે કેટલાક વિસ્તારમાં ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થવાની ઘટનાઓ સામે આવી છે. ગાંધીનગરમાં તો જાણે કે મીની વાવાઝોડું ફૂંકાયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વાવોલ અંડરપાસ પાસે મહાકાય વૃક્ષ ધરાશાયી થયું છે. બુલેટ ચાલક પર વૃક્ષ પડતા ચાલકને ઈજા પહોંચી છે. હાલમાં ઈજાગ્રસ્તને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે.
અમદાવાદ શહેરમાં મીની વાવાઝોડાના કારણે વિવિધ વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના
અમદાવાદ શહેરમાં મીની વાવાઝોડાના કારણે વિવિધ વિસ્તારોમાં વૃક્ષ ધરાશાયી થવાની ઘટના બની છે. ગોમતીપુર, સરસપુર, થલતેજ, જમાલપુર, ખાડિયા, રાયપુર, થલતેજ વિસ્તારમાં વૃક્ષો ધરાશાયી થયા છે. શહેરમાં 8થી વધુ વૃક્ષ ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. હાલમાં ફાયર વિભાગે રેસ્ક્યું કામગીરી હાથ ધરી છે, જો કે રાહતની વાત એ છે કે વૃક્ષ ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
સાબરકાંઠામાં વાવાઝોડા કારણે હોર્ડિંગ્સ ફાટ્યા
સાબરકાંઠામાં ભારે વાવાઝોડાના કારણે હોર્ડિંગ ફાટી જવા અને ધરાશાયી થયાં છે. ઇડરથી અંબાજી જોડતા સ્ટેટ હાઈવે પર ઝાડ પડવાના કારણે રસ્તો બ્લોક થયો છે.મહાકાય ઝાડ પડતા ટ્રાફિક જામ સર્જાયો છે. ભારે વાવાઝોડાને કારણે વીજ પુરવઠો પણ ખોરવાયો છે. ગંભીરપુરા પાસે ઝાડ પડતા એકતરફનો હાઇવે બ્લોક કરાયો છે. સમગ્ર જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો છે.