એસ.ટી વિભાગમાં સિનિયર ક્લાર્ક તરીકેની નોકરી આપવાના બહાને છેતરપિંડી આચરનારા 2 આરોપીઓની વટવા જીઆઈડીસી પોલીસે ધરપકડ કરી છે. પોલીસે નિલેશ મકવાણા અને આશિષ ક્રિશ્ચિન નામના બે આરોપીને ઝડપી પાડ્યા છે. આશિષ નામનો યુવક લોકોને ટાર્ગેટ કરતો હતો. એસટી વિભાગમાં ઓળખ હોવાની વાત કરી તેમની પાસેથી રુપિયા મેળવતો હતો. સાથે જ તેનો મિત્ર નિલેષને એસટી વિભાગમાં સારી ઓળખાણ હોવાથી તે સરકારી નોકરી અપાવે છે તેમ કહીને લોકો પાસેથી રૂપિયા મેળવતો હતો. જે રકમ નક્કી કરતા તેમાંથી આશિષ 20 ટકા રકમ કમિશન પેટે લેતો હતો. જ્યારે બીજી રકમ નિલેષ પોતાની પાસે રાખતો હતો. આરોપીઓએ અત્યાર સુધીમાં 10 લોકોને એસ ટી વિભાગમાં ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 7.5 લાખ જેટલી રકમ પડાવી લીધી છે.


બંને આરોપીઓએ ભેગા મળી છેતરપિંડીનો કારસો રચ્યો

બંન્ને આરોપીઓ વચ્ચે કર્ણાટક ફરવા માટે ગયા હતા, ત્યારે સંપર્ક થયો હતો. ત્યારબાદ બંન્નેને રૂપિયાની જરૂર હોવાથી આ મોડસ ઓપરેન્ડીથી રૂપિયા પડાવવાનું શરૂ કર્યું હતું. આશિષ સીસીટીવી કેમેરા લગાવવાનું કામ કરે છે. જ્યારે નિલેષ પણ અગાઉ એસટી વિભાગની કચેરીઓમાં સીસીટીવી અને જીપીએસ લગાવવાનું કામ કરતો હોવાથી ત્યાં અવરજવર રહેતી હતી. જેને કારણે તેણે એસ ટી વિભાગમાં નોકરી અપાવવાની લોકોને લાલચ આપતો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે નિલેષે બીએ ઈકોનોમિક્સનો અભ્યાસ કરેલો છે. તેના દીકરાને ખેંચની બીમારી હોવાથી ઓપરેશન માટે સાડા ચાર લાખ રૂપિયાની જરૂર હતી. જો કે કોઈ સગા સંબંધી પાસેથી તેને મદદ મળી ના હોવાથી તેણે આ રીતે રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે આશિષના માતા અને પત્નીને પણ મણકાની બીમારી હોવાથી સારવાર માટે રૂપિયાની જરૂર હતી. જે માટે બંનેએ ભેગા મળી છેતરપિંડીનો કારસો રચ્યો હતો.

પોલીસે મુખ્ય આરોપી નિલેષના રીમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી

આરોપી પાસેથી પોલીસે સ્ટેમ્પ, પ્રિન્ટર અને મોબાઈલ ફોન કબ્જે કર્યો છે. નિલેષ કોઈપણ વ્યક્તિને વિશ્વાસમાં લેવા માટે એપોઈમેન્ટ લેટર મોકલી આપતો હતો. એક યુવકને એસ ટી વિભાગમાં સીનિયર ક્લાર્કની નોકરી અપાવવાના બહાને 97,000 રૂપિયા પડાવી લીધા હતા અને એપોઈમેન્ટ લેટર પણ આપ્યો હતો. જો કે એપોઈમેન્ટ લેટરમાં એસ ટી વિભાગનો લોગો ના હોવાથી તેણે એસ ટી વિભાગની કચેરીએ જઈને તપાસ કરી હતી. ત્યારે આ લેટર બનાવટી હોવાનું સામે આવ્યું હતું. જેને લઈને તેણે વટવા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. હાલમાં પોલીસે મુખ્ય આરોપી નિલેષના રીમાન્ડ મેળવીને વધુ તપાસ શરૂ કરી છે.

  • Follow us on: