- ઘાંટવડ ગામની શીંગોડા નદીમાં દેખાયો મગર
- આ નદીમાં મહાકાય મગરનો કાયમી વસવાટઃ સ્થાનિક
- નદીના પટમાં જવા કે ન્હાવા પર જવા પ્રતિબંધ
ગીર સોમનાથના કોડીનારના ઘાંટવડ ગામે રુદ્રેશ્વર મહાદેવ મંદિર નજીકથી શીંગોડા નદીનો ધોધ વહી રહ્યો છે. ત્યાં શીંગોડા નદીમાં મહાકાય મગર જોવા મળ્યો છે, મગર જોવા મળતા આસપાસમાં ભયનો માહોલ છે. ત્યારે સ્થાનિકો જણાવી રહ્યા છે આ નદીમાં કાયમી મહાકાય મગર વસવાટ કરે છે. જો કે સાવચેતીના ભાગરૂપે નદીના પટમાં કે નદીમાં ન્હાવા જવા પર પ્રતિબંધ છે.
બે દિવસ પહેલા કોડીનારમાંથી અજગરનું રેસ્ક્યુ કરાયુ હતુ
ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ કોડીનારના નવાગામે મકાનમાં અજગર ઘૂસ્યો હતો. ત્યારે ખેડૂતને અજગર હોવાની જાણ થતાં જ વન વિભાગને જાણ કરવામાં આવી હતી અને જામવાળા વન વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યો હતો અને ત્યારબાદ જામવાળા એનિમલ કેર સેન્ટર લઈ જવામાં આવ્યો હતો.
જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા સહિતના જિલ્લાઓમાં મૂશળધાર વરસાદ હતો
સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં મેઘરાજાએ જમાવટ બોલાવી હતી. જૂનાગઢ, રાજકોટ, અમરેલી, દ્વારકા અને ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણ વાળા વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા હતા, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
રસ્તાઓ પર ભરાયા વરસાદી પાણી
ધોધમાર વરસાદના પગલે રાજકોટ, અમરેલી, દ્વારકા, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ પર જાણે કે નદી વહેતી હોય તેવા દૃશ્યો સર્જાયા હતા. રસ્તાઓ પર પાણી ફરી વળતા રાહદારીઓ અને સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વેરાવળ, માંગરોળ, માળિયા હાટીના, માણાવદર સહિતના પથંકમાં અનેક સોસાયટીમાં ગોઠણસમા પાણી ભરાયા હતા.
ઉલ્લેખનીય છે કે હાલમાં મેઘરાજા હવે ઉત્તર ગુજરાતમાં મહેરબાન થયા છે અને હવે મોડે મોડે પણ વરસી રહ્યા છે, જેના કારણે ખેડૂતોની ખુશી સમાઈ રહી નથી અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ત્યારે ડેમોમાં પણ નવા નીરની આવક શરૂ થઈ છે.