રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં છેલ્લા ઘણા સમયથી મૃતદેહ મળી આવવાની અનેક ઘટના સામે આવી છે. ત્યારે હવે, વધુ એક મૃતદેહ મળી આવ્યો છે. વહેલી સવારે સેતુબંધ ડેમના કાંઠે પાણીમાં પુરુષનો તરતો મૃતદેહ મળી આવતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. ફાયરની ટીમે મૃતદેહને બહાર કાઢ્યો હતો. જ્યારે, સ્થાનિક પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.


માહિતી અનુસાર, ગોંડલ તાલુકામાં આજે વહેલી સવારે સેતુબંધ ડેમનાં કાંઠે પાણીમાં પુરુષનો તરતો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ ફાયર વિભાગ અને સ્થાનિક પોલીસને કરતા ટીમો ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરનાં જવાનોએ પુરુષનાં મૃતદેહને બહાર કાઢ્યો હતો અને સરકારી હોસ્પિટલે ખસેડ્યો હતો. આ મામલે, પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર મૃતદેહ આશાપુરા ચોકડી પાસે રહેતા લુહાર દામજીભાઇ તુલશીભાઇ રાઠોડ (ઉ.વ. 50) હોવાનો જાણવા મળ્યું છે.

મૃતક પુરુષનાં ડાબા હાથ પર હિરલ અને સૂર્યનું ટેટુ છે અને નીચેનાં ભાગે ઇંગ્લિશમાં H લખેલું છે. બી ડિવિઝન પોલીસનાં  મદનસિંહ ચૌહાણ ઘટના સ્થળે પહોંચી અજાણ્યા પુરુષનાં સગા-સંબંધીઓ શોધખોળ શરુ કરતા ઓળખ મળી હતી. પોલીસનાં જણાવ્યા મુજબ, મૃતક દામજીભાઇ રખડતું ભટકતું જીવન જીવતા હતા. તેઓ પરિણીત હતા અને 12 વર્ષ પહેલા પત્ની સાથે છૂટાછેડા થયા હતા. તેમને સંતાનમાં એક પુત્ર છે. પોલીસે પીએમ બાદ મૃતદેહ પરિવારને સોંપી આગળની તપાસ હાથ ધરી છે.


  • Follow us on: