ગોંડલમાં ફરી રાજકારણમાં ગરમી પ્રવર્તી છે. દુષ્કર્મના આક્ષેપ બાદ રીબડાના યુવકે આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. મૃતક યુવક વિધાનસભાની ચૂંટણી દરમિયાન જયરાજસિંહનો સમર્થક હતો. આ ઘટના બાદ જયરાજસિંહ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતાં અને મૃતકના પરિવાર સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી. રીબડાના ગોવિંદ સગપરીયાએ અનિરૂદ્ધસિંહ જાડેજા સામે મૃતક યુવકને આપઘાત માટે મજબૂર કર્યાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. મૃતકની સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદિપસિંહનું નામ સામે આવ્યું છે.
રીબડાના અમિત ખૂંટની સ્યુસાઇડ નોટ સામે આવી
મૃતક અમિત ખૂંટે આપઘાત પહેલા લખેલી સ્યુસાઈડ નોટમાં અનિરુદ્ધસિંહ, રાજદિપસિંહ અને સગીરા સામે આરોપ લગાવ્યાં છે. આ ત્રણેયના ત્રાસથી આપઘાત કરવાનો ઉલ્લેખ સ્યુસાઈડ નોટમાં કર્યો છે. સ્યુસાઈડ નોટમાં અનુભાના દબાણથી ગળાફાંસો ખાઉ છું તેવો ઉલ્લેખ કર્યો છે. આ નોટ મળ્યા બાદ ગણેશ જાડેજા મોટી સંખ્યામાં યુવાનો સાથે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતાં. આ મામલે ગોવિંદ સગપરિયાએ કહ્યું હતું કે, અમિતે રીબડામાં ખરીદેલી જમીન વેચવાનું કેન્સલ થયું છે. કારણ કે જમીન વેચવી હોય તો અનિરૂદ્ધસિંહને ભાગ આપવો પડે છે. મૃતકને 2022ની ચૂંટણીની અદાવત રાખીને હેરાન કરતા હતાં.
ગોંડલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરાઈ
ગોવિંદ સગપરિયાએ કહ્યું હતું કે, જ્યાં સુધી આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી અહીં જ રહીશું. મૃતકના કાકા જ્યંતિભાઈ ખૂંટે પણ આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ ઘટનામાં અનિરુદ્ધસિંહ અને રાજદીપસિંહનો હાથ છે. અગાઉ પણ આવી ઘટનાઓ રીબડામાં બની છે. આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારાય. છોકરીમાં ફસાવીને આ કાવતરૂ કરવામાં આવ્યું છે. અગાઉ પણ આ પ્રકારે ષડયંત્ર રચીને યુવકનું મોત થયું હતું. આ કેસમાં અનિરૂદ્ધસિંહ જાડેજા, રાજદીપસિંહ જાડેજા અને અન્ય બે યુવતીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ગોંડલ પોલીસ દ્વારા ફરિયાદ નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.