જૂનાગઢ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે માંગરોળના ધારાસભ્યે મહત્ત્વની જાહેરાત કરી છે. માંગરોળના ધારાસભ્ય ભગવાનજી કરગટીયાએ જણાવ્યુ છે કે, સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવામાં આવશે. ગ્રામ પંચાયત સમરસ થાય તો પાંચ લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવશે. સરકારની ગ્રાન્ટ ઉપરાંત ધારાસભ્ય પોતાની ગ્રાન્ટમાંથી પણ નાણાં ફાળવવામાં આવશે. થોડા દિવસોમાં ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાશે ત્યારે આ પ્રકારની જાહેરાતો કુતુહલ સર્જે તેવી છે.
સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવા નિર્ણય
ચૂંટણીનો માહોલ જામતા જ અવનવી જાહેરાતો જનતા અને ઉમેદવારોનું ધ્યાન ખેંચે છે. ગ્રામ પંચાયત ચૂંટણી દરમિયાન પણ આવો જ માહોલ સર્જાયો છે. ત્યારે માંગરોળના MLA ભગવાનજી કરગટીયાએ એક જાહેરાત કરીને તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યુ છે. સમરસ ગ્રામ પંચાયત માટે ગ્રાન્ટ ફાળવવામો નિર્ણય કરવામાં આવ્યો છે. ગ્રામ પંચાયત સમરસ થાય તો 5 લાખની ગ્રાન્ટ ફાળવાશે. સરકારની ગ્રાન્ટ ઉપરાંત પોતાની ગ્રાન્ટમાંથી પણ પૈસા આપવામાં આવશે.
ગ્રામ પંચાયતોમાં ચૂંટણી જંગ
જૂનાગઢ જિલ્લામાં 9 તાલુકાની 216 ગ્રામ પંચાયતમાં ચૂંટણીની જાહેર કરવામાં આવી છે. જેમાં વિસાવદર તાલુકાની 33, માંગરોળ તાલુકાની 29, માણાવદર તાલુકાની 27, જૂનાગઢ તાલુકાની 27, કેશોદ તાલુકાની 29, માળીયાહાટીના તાલુકાની 25, ભેસાણ તાલુકાની 20 તથા મેંદરડા તાલુકાની 13 ગ્રામ પંચાયતોની ચૂંટણી હાથ ધરવામાં આવશે. ચૂંટણી માટે મતદાન 22 જૂનના રોજ યોજવામાં આવશે. તો ચૂંટણી પરિણામ 25 જૂનના રોજ બહાર આવશે.