ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે ૧૦:૩૦ વાગે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહ, સાયન્સ અને ગુજકેટનું ઓનલાઇન પરિણામ જાહેર કરાયું છે. ધોરણ.૧૨નાં ૫.૩૪ લાખ જેટલા અને ગુજકેટના ૧.૨૬ લાખ જેટલા વિદ્યાર્થી સવારે બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર પરિણામ જોઈ શકાશે. આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સએપ નંબર ૬૩૫૭૩૦૦૯૭૧ પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પરિણામ મેળવી શકશે.


ગુજકેટની 1.26 લાખ વિધાર્થીઓએ આપી હતી પરીક્ષા

વિદ્યાર્થીઓના ગુણપત્રક, પ્રમાણપત્ર અને SR શાળાવાર મોકલવા અંગેની જાણ હવે પછીથી કરવામાં આવશે. ગત વર્ષની સરખમાણીએ આ વર્ષે ૪ દિવસ વહેલુ પરિણામ જાહેર કરાશે પરંતુ પરીક્ષા પૂર્ણ થયાના સમયથી 5 દિવસ મોડું પરિણામ જાહેર થશે. ગત વર્ષે ૯ મે-૨૦૨૪ના રોજ પરિણામ જાહેર થયુ હતુ, જે આ વખતે 5 મેના રોજ જાહેર થયુ છે. બીજી તરફ ગત વર્ષે પરીક્ષા પૂર્ણ થયાના ૪૩ દિવસમાં પરિણામ જાહેર થયું હતું, જોકે આ વખતે ૪૮ દિવસે પરિણામ જાહેર થશે.

સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૧.૧૧ લાખ જેટલા વિદ્યાર્થીઓ હતા

ધોરણ.૧૦ની સાથે જ ધોરણ. ૧૨ સામાન્ય પ્રવાહ અને સાયન્સની બોર્ડ પરીક્ષા ગત તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ હતી. જેમાં ધોરણ. ૧૨ સાયન્સની પરીક્ષા ૧૦મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી જયારે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષા ૧૭મી માર્ચના રોજ પૂર્ણ થઈ હતી. ધોરણ.૧૨ સાયન્સની પરીક્ષામાં સમગ્ર રાજ્યમાંથી કુલ ૧.૧૧ લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા હતા જ્યારે ધોરણ.૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૪.૨૩ લાખ જેટલા વિદ્યાર્થી નોંધાયા હતા.

વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે

એ સિવાય ઈજનેરી અને ફાર્મસીમાં પ્રવેશ માટેની ગત તા. ૨૩મી માર્ચે લેવાયેલી ગુજકેટમાં ૧.૨૬ લાખ જેટલા વિદ્યાર્થી ઉપસ્થિત રહ્યા હતા. ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પૂર્ણ થયા બાદ તરત જ તમામ પ્રવાહની ઉત્તરવહી મૂલ્યાંકનની પ્રક્રિયા શરૂ કરી દેવાઈ હતી. મૂલ્યાંકનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-૧૨ સાયન્સ, સામાન્ય પ્રવાહ સહિતના વિવિધ પ્રવાહ, ગુજકેટનું પરિણામ આજે જાહેર કરવાની સત્તાવાર જાહેરાત કરાઈ છે. વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ પરીક્ષાનો બેઠક ક્રમાંક એન્ટર કરીને મેળવી શકશે.

  • Follow us on: