ગુજરાતના ખેલાડીઓ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રમત ગમત ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ કરીને અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા રમતને વધુ પ્રોત્સાહન આપવાના ભાગરૂપે એથ્લેટિકસમાં મેડલ પ્રાપ્ત ખેલાડીઓને સ્પોર્ટ્સ ક્વોટા અંતર્ગત વિવિધ વિભાગોમાં સરકારી નોકરી આપવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે.જે અંતર્ગત ગુજરાતમાં વિવિધ એથ્લેટિકસ રમતના માધ્યમથી અત્યાર સુધીમાં 50 થી વધુ ખેલાડીઓને કેન્દ્ર અને રાજ્ય સરકારના વિવિધ વિભાગોમાં નોકરી આપીને પ્રોત્સાહિત કર્યા છે.
ખેલાડીઓને વિવિધ વિભાગોમાં નોકરી મળી
એથ્લેટિકસ રમતમાં વર્ષ 2010 પછી અત્યાર સુધીમાં ખેલાડીઓએ 100 મી દોડ,200 મી, 400મી , 800મી, 1500 મી, 5000 મી, 10000મી દોડ, 400 વિધ્ન દોડ, મેરેથોન તેમજ ડેકેથલોનની સ્પર્ધામાં ભાગ લઈ 16 ખેલાડીઓએ ઇન્ડીયન આર્મીમાં, 02 ખેલાડીઓ ઇન્ડીયન એરફોર્સમાં, 01 ખેલાડીને સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાં, 01 ખેલાડી આસામ રાયફલમાં, 01 ખેલાડી સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સમાં તેમજ 01 ખેલાડી ઈન્ડો - તિબેટીયન બોર્ડર પોલીસમાં જોડાઈને દેશની સુરક્ષાને વધુ મજબૂત બનાવવા સેવા આપી રહ્યા છે.
11 જેટલા ખેલાડીઓએ ઇન્ડીયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા
આ ઉપરાંત એથ્લેટિકસ રમતમાં જોડાઈને 11 જેટલા ખેલાડીઓએ ઇન્ડીયન પોસ્ટલ સર્વિસમાં જોડાયા હતા. જ્યારે બે ખેલાડીઓ દિલ્હી ખાતે ઇન્કમટેક્સમાં, એક ખેલાડી ગોવા ખાતે ઇન્કમટેક્સમાં,એક ખેલાડી ભારત સંચાર નિગમ લિમિટેડમાં,06 ખેલાડીઓ ઇન્ડિયન રેલવેમાં, એક ખેલાડી એગ્રીકલ્ચર બેંકમાં તેમજ 06 જેટલા ખેલાડીઓએ ગુજરાત પોલીસમાં જોડાઈને આમ રાજ્યના કુલ 50 જેટલા ખેલાડીઓને અત્યાર સુધી એથ્લેટિકસ રમતના પરિણામે કેન્દ્ર અને રાજ્ય સરકારની સારા હોદ્દાની નોકરી પ્રાપ્ત કરવાનો અવસર મળ્યો છે .
એથ્લેટીકસ રમત સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે
આજે ગુજરાતના ખેલાડીઓ એથ્લેટીકસ રમતમાં ભાગ લઇને આંતરરાષ્ટ્રીય -રાષ્ટ્રીય કક્ષાએ મેડલ પ્રાપ્ત કરીને ગુજરાત અને ગુજરાતીઓને ગૌરવ અપાવ્યું છે. ગુજરાતમાં 11 સિન્થેટીક એથ્લેટીક્સ ટ્રેક અમદાવાદ શહેર,મહેસાણા,પાટણ શહેર સાબરકાંઠા,પંચમહાલ,દાહોદ,ખેડા,નર્મદા ભાવનગર શહેર તેમજ પોરબંદર શહેરના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ સ્પોર્ટ્સ ઓથોરીટી ગુજરાત દ્વારા બનાવવામાં આવ્યા છે. જેમાં ઘણાં બધા એથ્લેટીકસ રમત સાથે સંકળાયેલા ગુજરાતના ખેલાડીઓ લાભ લઈ રહ્યા છે.