ગુજરાતમાં સોમવારે વાતાવરણમા પલટો આવ્યો હતો. રાજ્યના અનેક શહેરોમાં ભારે પવન અને કરા સાથે વરસાદ ખાબક્યો હતો. ભર ઉનાળે ખાબકેલા વરસાદે રાજ્યમાં તારાજી સર્જી હતી. પવન અને વરસાદના કારણે ખેતીમાં ભારે નુકસાન પહોંચ્યું છે. રાજ્યમાં વીજળી અને ઝાડ પડવા સાથે કરંટ લાગતા લોકોના મોત થયા હોવાની વિગતો સામે આવી છે. વરસાદને કારણે રાજ્યમાં 14 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં ચાર મહિલા અને 10 પુરૂષોનો સમાવેશ થાય છે.


વરસાદને કારણે 14 લોકોના મોત નિપજ્યાં

ગુજરાતમાં થયેલા વરસાદને કારણે 14 લોકોના મોત નિપજ્યાં છે. જેમાં વીજળી પડતા 3ના મોત, ઝાડ પડવાથી 4ના મોત, મકાન,દીવાલ અને છત પડતા 3ના મોત,હોર્ડિંગ્સ પડતા 2ના મોત, કરંટ લાગતા 2ના મોત નિપજ્યાં છે. વિરમગામ, આણંદ, ઠાસરામાં 1-1 વ્યક્તિનું મોત નિપજ્યું છે. દેવગઢ બારીયામાં 2, નડિયાદ, મહેમદાવાદમાં 2 લોકોના મોત નિપજ્યાં છે. દસક્રોઈમાં 1, ભિલોડામાં 2, વડોદરામાં 3ના મોત નિપજ્યાં છે.

મુખ્યમંત્રીએ જિલ્લાવાર વિસ્તૃત માહિતી મંગાવી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે કંટ્રોલ રૂમ પર ફોન કરીને વિસ્તૃત માહિતી મંગાવી છે. દરેક જિલ્લાઓ પાસેથી વિસ્તૃત માહિતી મંગાવવામાં આવી છે. રાજ્યમાં વરસાદના કારણે કેરી સહિતના પાકને ભારે નુકસાન પહોંચ્યું છે. ખેડૂતોના મોઢે આવેલો કોળિયો વરસાદે છીનવી લેતા ખેડૂતોની રોજી રોટી છીનવાઈ છે. પાક ધોવાઈ જતાં ખેડૂતોએ સરવે કરાવીને સરકાર પાસે સહાયની માગ કરી છે.


  • Follow us on: