તાજેતરમાં અમદાવાદમાં શાહપુરથી ઓલ્ડ હાઇકોર્ટ વચ્ચે મેટ્રો ટ્રેક પર વીજ પુરવઠો પૂરો પાડતા કોપરના કેબલની ચોરી થઈ હતી. જેના કારણે મેટ્રો સેવા બંધ થઈ જતાં સંખ્યાબંધ મુસાફરો અટવાયા હતા. હવે ફરીવાર મેટ્રો સર્વિસમાં અવરોધ આવ્યો છે. ગાંધીનગરમાં કોબા સર્કલ મેટ્રો સ્ટેશન નજીક ચોરોએ મેટ્રોના ટ્રેકના કોપર કેબલી ચોરી કરતાં મેટ્રોની સેવામાં ફરીવાર અવરોધ સર્જાયો હતો. મોડી રાત્રે ત્રણેક વાગ્યાની આસપાસ ટ્રેકશન પાવર કંટ્રોલરને વીજ સપ્લાયમાં ખામી જણાતા તેમણે સેક્શન એન્જિનિયરને જાણ કરી હતી. ત્યાર બાદ તપાસ સઘન કરાઈ હતી.
તીક્ષ્ણ સાધનોથી કેબલો કાપ્યા હતાં
સેક્શન એન્જિનિયર દ્વારા કરાયેલી તપાસમાં જણાયું હતું કે, ગાંધીનગરમાં કોબા સર્કલથી જૂના કોબા મેટ્રો વચ્ચે ત્રણેક જગ્યાએથી કૂલ 13.28 લાખની કિંમતના 23 જેટલા કેબલ કપાયા છે. તસ્કરો દ્વારા ચોરી કરાયેલા કેબલમાં અપ અને ડાઉન બંને ટ્રેક પરના કેબલનો સમાવેશ થાય છે. સુત્રોએ જણાવ્યું હતું કે, ચોરો કેબલ ચોરી કરવા માટે વાયાડક્ટ બ્રિજ પરથી ચડ્યા હતાં અને તીક્ષ્ણ સાધનોથી કેબલો કાપ્યા હતાં.
ગાંધીનગર આવતી મેટ્રો ટ્રેન કોબા સ્ટેશને અટકી ગઈ
કેબલ કપાઈ જવાથી મેટ્રો સેવા ખોરવાઈ હતી. વહેલી સવારે અમદાવાદ તરફથી ગાંધીનગર આવતી મેટ્રો ટ્રેન કોબા સ્ટેશને અટકી ગઈ હતી. અધિકારીના જણાવ્યા પ્રમાણે મેટ્રોના ટ્રેક પરથી કેબલ ચોરી જવાથી મોડી રાત્રે ત્રણેક વાગ્યે સેવા ખોરવાઈ હતી. આ દરમિયાન મોટાભાગના મુસાફરો આઈપીએલની મેચ જોઈને ગાંધીનગર તરફ પરત ફરતા હતાં. કેબલ ચોરાયાની જાણ થતાં જ પાંચેક પીસીઆર વાન સ્થળ પર મોકલી દેવાઈ હતી. કેટલાક મુસાફરોને પોલીસની વાનમાં તેમના સ્થળ સુધી પહોંચડાયા હતાં.