- પોરબંદર વિધાનસભા બેઠક પર અર્જૂન મોઢવાડિયા 3 હજાર મતથી આગળ
- વાઘોડિયા વિધાનસભા બેઠક પર ક્ષત્રિય VS ક્ષત્રિય
- સવારના 8 વાગ્યાથી લોકસભાની સાથો સાથ વિધાનસભા પેટાચૂંટણીની પણ મતગણતરી શરૂ
ગુજરાત વિધાનસભા- 2024ની ચૂંટણીમાં 25 લોકસભા બેઠકોની સાથે-સાથે વિધાનસભની 5 બેઠક પર પણ પેટાચૂંટણી યોજાઈ હતી. આ પાંચ વિધાનસભા બેઠકમાં પોરબંદર, વાઘોડિયા, માણાવદર, ખંભાત અને વીજાપુરનો સમાવેશ થાય છે. આ બેઠકો પર ચાર કોંગ્રેસમાંથી આવેલા અને એક અપક્ષમાંથી આવેલા પૂર્વ ધારાસભ્યો ચૂંટણી લડ્યા હતાં. આ પાંચેય બેઠકની આજે મતગણતરી પ્રક્રિયા યોજાઈ રહી છે.
વાઘોડિયા વિધાનસભા બેઠક પર ઉમેદવારને જીતની આશા
વાઘોડિયા વિધાનસભા પેટાચૂંટણીમાં અપક્ષમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાંથી ધર્મેન્દ્રસિંહ વાઘેલા અને કોંગ્રેસમાંથી કનુ ગોહિલ ચૂંટણી મેદાને ઉતર્યા હતા. મધુ શ્રીવાસ્તવે ઉમેદવારી પત્ર પરત ખેંચી લેતા બંને પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર તેજ બનાવી દેવામાં આવ્યો હતો. જોકે, ઉમેદવારી પરત ખેંચી લેનાર પૂર્વ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કોંગ્રેસને ટેકો જાહેર કરી કોંગ્રેસને જીતાડવા માટેના પ્રયાસો શરૂ કર્યો હતો.
માણાવદર વિધાનસભા પેટાચૂંટણીમાં 53.93% મતદાન થયું
માણાવદર વિધાનસભા બેઠક જાણે પક્ષપલટુ તરીકે જ ઓળખાતી હોય તેમ અહીં ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્ય બની ગયા બાદ પક્ષ પલટો કરે છે. 85 માણાવદર વિધાનસભા બેઠક પર ફરી પેટા ચૂંટણી યોજાઈ હતી. ત્યારે 85 માણાવદર વિધાનસભાની 2024ની પેટા ચૂંટણીમાં કોંગ્રેસે હરિભાઈ કણસાગરા અને ભાજપે કોંગ્રેસ છોડી આવેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને ચૂંટણી મેદાને ઉતાર્યા હતા.
ખંભાતમાં રસાકસીનો માહોલ
પટેલોનું પ્રભુત્વ ધરાવતી ખંભાતની બેઠક પર ઓબીસી, ક્ષત્રિય, દલિત અને મુસ્લિમ મતદાતાઓ નિર્ણાયક છે. મધ્ય ગુજરાતમાં કોંગ્રેસનો પ્રભાવ હતો, ત્યારે પણ આ બેઠક 1995થી 2017 સુધી ભાજપના હાથમાં રહી હતી. અહીં ભાજપે સોશિયલ એન્જિનિયરિંગ કરીને 1995માં ખત્રી, ત્યારબાદ 2007 સુધી બ્રાહ્મણ ઉમેદવાર, ત્યારબાદ ફરી એકવાર પટેલ અને 2017માં બ્રાહ્મણ ઉમેદવારને ટિકિટ આપી હતી.