મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાતે નવીનીકરણીય ઊર્જા (RE) ઈન્સ્ટોલેશનમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. નવીન અને નવીનીકરણીય ઊર્જા મંત્રાલય (MNRE)ના ડેટા અનુસાર, 30 એપ્રિલ 2025 સુધીમાં નવીનીકરણીય ઊર્જામાં ગુજરાતની કુલ સ્થાપિત ક્ષમતા 35.16 ગીગાવોટ છે. આ ઐતિહાસિક સિદ્ધિ એ દર્શાવે છે કે, ટકાઉ વિકાસ અને સ્વચ્છ ઊર્જાના લક્ષ્ય સાથે ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવામાં ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે.
ભારતની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 15.72%
પુન:પ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે ગુજરાતના પ્રભાવશાળી પ્રદર્શનની વાત કરીએ તો, રાજ્યની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતા 35.16 GW છે, જે દેશમાં સર્વાધિક છે. આ ઉપરાંત, ગુજરાત સ્થાપિત પવન ઊર્જા ક્ષમતામાં પણ પ્રથમ ક્રમે છે, જે 13.51 GWની છે. સ્થાપિત સૌર ઊર્જા ક્ષમતામાં રાજ્ય 19.42 GWની ક્ષમતા સાથે બીજા ક્રમે અને રૂફટોપ સોલર ઈન્સ્ટોલેશનમાં 5.31 GWની ક્ષમતા સાથે પ્રથમ ક્રમે છે. નોંધનીય છે કે, ભારતની કુલ સ્થાપિત નવીનીકરણીય ઊર્જા ક્ષમતામાં ગુજરાતનો ફાળો 15.72% છે.
ગુજરાતના નવીનીકરણીય ઊર્જા સ્ત્રોતોમાં પવન, સૌર, હાઈડ્રોપાવર (નાના અને મોટા), અને બાયો એનર્જીનો સમાવેશ થાય છે. કુલ 35.16 GW ક્ષમતામાંથી, 13,514.68 MW પવન ઊર્જા, 19,421.8 MW સૌર ઊર્જા, 106.64 MW સ્મોલ હાઇડ્રો, 1,990 MW લાર્જ હાઇડ્રો અને 129.85 MW જૈવ ઊર્જા સ્ત્રોતોમાંથી આવે છે.
ઊર્જા સંગ્રહ અને પાવર ગ્રીડને મજબૂત બનાવવામાં અગ્રેસર ગુજરાત
ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) ઊર્જા સંગ્રહને પ્રોત્સાહન આપવામાં નવીનીકરણીય ઊર્જાને ગ્રીડ સાથે સરળતાથી જોડવામાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યું છે. GUVNLએ 1,192 MW / 4,777 MWh ની કુલ સંચિત ક્ષમતા સાથે બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ્સ (BESS) માટે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. રાજ્ય 32 GWથી વધુની અંદાજિત ક્ષમતા સાથે પમ્પ્ડ સ્ટોરેજ પ્રોજેક્ટ્સ પર પણ વિચારણા કરી રહ્યું છે. આ વ્યૂહરચના હેઠળ એક મુખ્ય ઇનોવેશન કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર સ્ટેશન (KLTPS) ખાતે 57 MWh BESS સાથે 35 MW સોલર પીવી પ્રોજેક્ટ છે. આ પ્રોજેક્ટ સૌર ઊર્જા અને ગ્રીડ વિશ્વસનીયતાને વધારવા માટે હાલની માળખાગત સુવિધાઓ અને જમીનનો ઉપયોગ કરે છે, જે સ્વચ્છ ઊર્જા અંગે ગુજરાતનો ભવિષ્યલક્ષી અભિગમ દર્શાવે છે.
સ્વચ્છ અને નવીનીકરણીય ઊર્જા દ્વારા ઔદ્યોગિક ટકાઉપણાને મળ્યું પ્રોત્સાહન
નાણાકીય વર્ષ 2024-25 દરમ્યાન, ગુજરાતે નવીનીકરણીય સ્ત્રોતો દ્વારા લગભગ 32,790 મિલિયન યુનિટ (MU) વીજળીનું ઉત્પાદન કર્યું હતું - જે રાજ્યના કુલ 1,46,467 MU વીજ વપરાશના 22% કરતાં પણ વધુ છે. આ સૂચવે છે કે, ગુજરાત સ્વચ્છ ઊર્જાને ઝડપથી અપનાવી રહ્યું છે અને ટકાઉ વીજળી પૂરી પાડવામાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યું છે. આ જ સમયગાળા દરમ્યાન રાજ્યએ 5.9 GWથી વધુ નવી રિન્યુએબલ એનર્જી કેપૅસિટીનો ઉમેરો કર્યો છે અને કુલ ક્ષમતા 27.46 GWથી વધીને 33.39 GW થઈ છે. આમાં સૌર ઊર્જામાંથી 4.95 GW અને પવનમાંથી 954.76 MW ક્ષમતાનો સમાવેશ થાય છે. GUVNLના પ્રયાસો ગુજરાતના ઔદ્યોગિક કેન્દ્રો અને GIDC એસ્ટેટ માટે નવીનીકરણીય ઊર્જાને વધુ સસ્તી અને સુલભ બનાવી રહ્યા છે, જે ટકાઉપણાને પ્રોત્સાહન આપવાની સાથે કાર્યક્ષમતા વધારવામાં મદદ કરે છે. દૂરંદેશી નેતૃત્વ, સ્પષ્ટ નીતિઓ અને મજબૂત માળખાગત સુવિધાઓ સાથે, ગુજરાત સ્વચ્છ અને ભવિષ્ય માટે તૈયાર ઊર્જા ઇકોસિસ્ટમના નિર્માણમાં રાષ્ટ્રીય સ્તરે અગ્રેસર રહ્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્પષ્ટ નીતિ નિર્દેશો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં પાયાના સ્તરે અમલીકરણ સુનિશ્ચિત કરીને ગુજરાતે પોતાને ભારતના નવીનીકરણીય ઊર્જા વિકાસના એન્જિન તરીકે સ્થાપિત કર્યું છે. ગુજરાત સ્કેલ, નવીનતા અને સમાવેશકતાને જોડીને ઉદ્યોગો અને સમુદાયો બંનેને મજબૂત બનાવી રહ્યું છે અને સાથે ભારતના સ્વચ્છ ઊર્જા લક્ષ્યો અને વિકસિત ભારતના વ્યાપક દ્રષ્ટિકોણને પણ સમર્થન આપી રહ્યું છે. નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે ગુજરાતે હાંસલ કરેલી સિદ્ધિ અન્ય રાજ્યો માટે ઉદાહરણરૂપ બની છે.