ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ રાજીનામુ આપ્યું. અભયસિંહ ચુડાસમા 1999 બેચના IPS અધિકારી છે. અભયસિંહ ચુડાસમાએ ઓક્ટોબરમાં વયનિવૃત્ત પહેલા જ રાજીનામું આપ્યું. આઈપીએસ અધિકારી હાલમાં કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે.


પોલીસ બેડામાં એક જાણીતું નામ

આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભયસિંહ ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આજે જ્યારે મોટાભાગ અધિકારીઓ સીસીટીવીના ભરોસે તમામ કામગીરી કરી રહ્યા છે ત્યારે આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનુ આગવું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને ધરતીના પેટાળમાંથી પણ શોધી કાઢતા. તેમને મળતી તમામ માહિતી સાચી અને સચોટ જ સાબિત થતી.

અમદાવાદના ગાંધીનગર ખાતે આવેલ અક્ષરધામ મંદિર પર થયેલ હુમલો આજે પણ લોકોને યાદ છે. અક્ષરધામ મંદિરને કેટલાક આંતકવાદીઓએ બાનમાં લીધું હતું. ત્યારે તેમનો ખાતમો બોલાવવાની જવાબદારી અભયસિંહને સોંપવામાં આવી હતી. અભયસિંહ ચુડાસમાએ પોતાના સાથીદારો એવા કોન્સ્ટેબલોની મદદથી ઓપરેશન પાર પાડ્યું અને અક્ષરધામ મંદિરને બચાવ્યું.

સિરિયલ બ્લાસ્ટમાં શું હતી મહત્વની ભૂમિકા

2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટની ઘટના આજે પણ લોકોને કંપારી અપાવે છે. સિરિયલ બ્લાસ્ટ ઘટનામાં આરોપીને પકડવા ગુજરાત પોલીસ માટે એક મોટો પડકાર હતો. કારણ કે એકબાજુ શહેરમાં થયેલ બ્લાસ્ટને લઈને પોલીસની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા હતા અને બીજી બાજુ ગુનેગારોને શોધવા પોલીસ માટે મોટો પડકાર હતો. પોલીસ પર સરકારની સાથે મીડિયાના સવાલો અને લોકોની સુરક્ષાનું દબાણ હતું. તેવામાં બ્લાસ્ટના ગુનોનો ભેદ ઉકેલવો રાજ્યની પોલીસ માટે મોટો યક્ષ પ્રશ્ન હતો. પોલીસે પોતાની પૂરી તાકાત લગાવી આતંકીઓની શોધખોળ કરી. છતાં પણ કોઈ સજ્જડ કડી હાથ ના લાગી. પોલીસને સતત નિષ્ફળતા મળતી હતી ત્યારે આઈપીએસ અધિકારી અભય ચુડાસમાના નેટવર્કે બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો. અ

અભયસિંહ ચુડાસમના બાતમીદારે તેમને માહિતી આપી કે તેણે ભરૂચમાં બ્લાસ્ટ માટે ઉપયોગમાં લેવાયેલ કારને જોઈ છે. એક મકાનમાં બે કાર પાર્ક કરેલી છે અને મને શંકા છે કે બ્લાસ્ટના આરોપીઓ પણ ત્યાં જ છે. બાતમીના આધારે અધિકારી અભયસિંહ તાત્કાલિક એકશનમાં આવ્યા. તેમણે એક ટીમ જે શખ્સે બાતમી આપી હતી તે ભરૂચ ખાતેના મકાન પર મોકલી. આ મકાન ભરૂચના પ્રતિષ્ઠીત વ્યક્તિનું હતું. આથી જ આતંકીઓએ આવા મકાનમાં આશરો લીધો હતો.જો કે પોલીસ અધિકારીઓ જ્યારે ત્યાં પંહોચ્યા ત્યારે તેઓ પણ ચોંકી ઉઠ્યા. કારણ કે મકાનમાં બોમ્બ બનાવવામાં આવતો હોવાના અવશેષો તેમના હાથ લાગ્યા. 

પોલીસને અમદાવાદમાં સીરીયલ બ્લાસ્ટ ઘટનામાં પહેલી કડી મળી ગઈ. વધુ તપાસ કરતાં આના તાર મહારાષ્ટ્રના નાંદેડ પંહોચ્યા. પોલીસ તાત્કાલિક ત્યાંથી નાંદેડ રવાના થઈ. ત્યાં તેમને આંતકી હાથતાળી આપી જતો રહ્યો પરંતુ ગુનાની વધુ એક મજબૂત કડી તેમના હાથ લાગી.બ્લાસ્ટ ઘટનામાં શોધખોળ બાદ 78 આરોપીઓ સાણસામાં આવ્યા. અને 49 આરોપીઓને કોર્ટે દોષિત ઠેરવ્યા જ્યારે 28 આરોપીઓને પુરાવાના અભાવે છોડી મૂકવામાં આવ્યા. 

આમ, અભયસિંહ ચુડાસમએ એક જાગૃત નાગરિકની ફોન પરની બાતમીના આધારે ત્વરિત કામગીરી કરતાં સીરિયલ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલાયો. અને આરોપીને સજા મળી. જો એ સમયે દબાણભરી પરિસ્થિતિમાં અધિકારીએ અજાણ્યો નંબર જોઈ ફોન ના ઉપાડ્યો હોત તો પોલીસ આજે પણ ગુનેગારોને શોધતી ફરતી હોત. 

રાજકારણમાં આવશે અધિકારી

એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ અભયસિંહ ચુડાસમાએ આજી રાજીનામું આપ્યું છે. ત્યારે શું બાહોશ અધિકારી રાજકારણમાં પ્રવેશ કરશે તેને લઈને અટકળો તેજ થઈ ગઈ છે. જો કે અગાઉ એક કાર્યક્રમમાં આઈપીએસ અધિકારીએ આ અફવાઓને પહેલા જ રદિયો આપી દીધો હતો.

ગીર સોમનાથાનના કોડીનાર ખાતેના કાર્યક્રમમાં જ્યારે અભયસિંહ ચુડાસમાને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરાયા હતા ત્યારે તેમણે રાજનીતિમાં પ્રવેશને લઈને સ્પષ્ટતા કરી હતી. તેમણે આ કાર્યક્રમમાં જાહેર મંચ પરથી સ્પષ્ટ વાત કરી કે હું કયારે પણ રાજકારણમાં જોડાઈશ નહીં. મારું ક્ષેત્ર રાજનીતિ નથી પરંતુ હું નિવૃત્તિ બાદ સામાજિક કામો કરીશ. ખાસ કરીને હું શિક્ષણક્ષેત્રમાં વિદ્યાર્થીઓને જરૂરી સહાય પૂરી પાડવા માંગુ છું. જણાવી દઈએ કે આજે અભયસિંહ ચુડાસમાએ રાજીનામું આપ્યું છું અને હાલમાં તેઓ શિક્ષણ ક્ષેત્રમાં કાર્યરત છે. એટલે કે અભયસિંહ ચુડાસમા હાલ કરાઈ પોલીસ શાળામાં પ્રીન્સિપાલ તરીકે કાર્યરત છે.

  • Follow us on: