- રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક
- રાજ્યના અનેક ડેમો પણ સારા વરસાદને પગલે પાણીથી છલકાયા
- ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું
રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયા બાદ રાજકોટવાસીઓ માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ સિંચાઈ વિભાગ હસ્તકના 24 ડેમોમાં નવા નીરની આવક થઈ છે. આ સાથે જ રાજ્યના અનેક ડેમો પણ સારા વરસાદને પગલે પાણીથી છલકાયા છે.
રાજકોટની જીવાદોરી સમાન ભાદર ડેમમાં નવા નીરની આવક થઈ છે, ભાદર ડેમમાં 1.25 ફૂટ નવું પાણી આવ્યું છે. આ સિવાય ન્યારી 2 ડેમમાં 0.33 ફૂટ, ફોફડ ડેમમાં 1.71 ફૂટ, જ્યારે આજી 3 ડેમમાં 1.44 ફૂટની આવક નોંધાઈ છે. ત્યારે આ વર્ષે રાજકોટવાસીઓને પાણીની સમસ્યા નહીં રહે.
હવામાન વિભાગે ભારે પવન સાથે વરસાદની કરી આગાહી
રાજ્યમાં કેટલાક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જેમાં સૌરાષ્ટ્ર, કચ્છ, વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ ગુજરાત સહિત નવસારી, તાપી, સુરત, નર્મદા, ડાંગ, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદ હવામાન વિભાગે ખેડા, અમદાવાદ,નવસારી, સુરતમાં વરસાદને લઈ ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
શામળાજી પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક
રાજ્યના વિવિધ વિસ્તારમાં મેઘરાજાએ જમાવટ બોલાવી છે. ત્યારે રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસી રહેલા વરસાદના પગલે નદી-નાળા અને ચેકડેમોમાં નવા નીરની આવક થઈ છે. તેમજ અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે. ત્યારે શામળાજી પાસે મેશ્વો નદીમાં નવા નીરની આવક થઈ છે. ઉપરવાસમાં ભારે વરસાદથી મેશ્વો નદીમાં નવા નીર આવ્યા છે. મેશ્વો નદીમાં નવા નીરની આવક થતા નદી બે કાંઠે વહેતી થઈ છે. તેમજ મેશ્વો નદી બે કાંઠે થતા જળાશયમાં પાણીની આવક નોંધાય છે. મેશ્વો નદી સીઝનમાં પ્રથમ વખત બે કાંઠે થઈ છે.