સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્ય પણ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં સતત આગળ વધી રહ્યું છે. ગુજરાત દેશભરમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં બીજા સ્થાને છે. રાજ્યની રિન્યુએબલ એનર્જીની સ્થાપિત ક્ષમતા 31,482 મેગા વોટ છે. વિધાનસભામાં પ્રશ્નોતરીકાળ દરમિયાન આ વિગતો સામે આવી છે.
ગુજરાતમાં રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં 40,000 કરોડથી વધુનું કરાયું રોકાણ
રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત અન્ય રાજ્યો માટે પથદર્શક બન્યું છે. રાજ્યએ વીજ ઉત્પાદનની કુલ 52,424 મેગાવોટની સ્થાપિત ક્ષમતા હાંસલ કરી છે, જેમાં 50%થી વધુ એટલે કે 25,472 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. ગુજરાત આ સીમાચિહ્ન સુધી પહોંચનારું પ્રથમ રાજ્ય બન્યું છે, જે ભારતમાં સ્વચ્છ, ટકાઉ ઊર્જાને પ્રોત્સાહન આપવામાં રાજ્યના અસરકારક નેતૃત્વને પ્રદર્શિત કરે છે. માર્ચ 2023ના આંકડા પર નજર નાખીએ તો, ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતા 45,912 મેગાવોટ હતી, જેમાં પુનઃપ્રાપ્ય ઊર્જાનો ફાળો 19,435 મેગાવોટ હતો. 2024 સુધીમાં આ ક્ષમતામાં 6,512 મેગાવોટનો વધારો થયો છે, જેમાં 6,036 મેગાવોટ પુનઃપ્રાપ્ય સ્ત્રોતોમાંથી આવે છે. આ નોંધપાત્ર વધારો સ્વચ્છ ઊર્જા માટે ગુજરાતની અડગ પ્રતિબદ્ધતા અને ભારતના વ્યાપક સસ્ટેનેબિલિટી મિશનમાં તેના નેતૃત્વને દર્શાવે છે. ગુજરાતે ભવિષ્યને ધ્યાનમાં રાખીને સૌર, પવન, અને હાઈબ્રિડ એનર્જી પ્રોજેક્ટ્સમાં મોટાપાયે રોકાણ કર્યું છે.
ગુજરાત સરકારની ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2028 સુધી લંબાવવામાં આવી
નવીનીકરણીય ઊર્જા માટે પ્રતિબદ્ધતા દર્શાવીને ગુજરાત ટકાઉ ભવિષ્યને સુરક્ષિત કરવા માગે છે. પુનઃપ્રાપ્ય ઊર્જાની લાંબા ગાળાની ક્ષમતાનો વિચાર કરીને રાજ્યએ પહેલાંથી જ રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ્સમાં રૂપિયા 43,450 કરોડનું રોકાણ કર્યું છે, જે પરંપરાગત વીજ ઉત્પાદનમાં રોકાણ કરવામાં આવેલા રૂપિયા 28,864 કરોડ કરતાં વધુ છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારની ગુજરાત રિન્યુએબલ એનર્જી પોલિસી 2028 સુધી લંબાવવામાં આવી છે, જે વૃદ્ધિને વધારે વેગ આપશે તેવી અપેક્ષા છે. આ પોલિસી નવીન રિન્યુએબલ એનર્જી ઉકેલોનું સમર્થન કરે છે, જેમાં સોલાર રૂફટોપ ઇન્સ્ટોલેશન, ફ્લોટિંગ સોલાર ફાર્મ્સ અને કેનાલ-ટોપ સોલાર પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. ગુજરાત પાસે 1600 કિમી લાંબો દરિયાકિનારો અને પુષ્કળ સૂર્યપ્રકાશ જેવા ભૌગોલિક ફાયદા હોવાના કારણે તે પુનઃપ્રાપ્ય ઊર્જાની મહત્તમ ક્ષમતાનો ઉપયોગ કરી શકે છે.