ઉનાળાની ઘગઘગતા ભઠ્ઠા જેવી ગરમીમાં તરસથી ત્રસ્ત અબોલ પક્ષીઓને બચાવવાનો સંદેશ આપતાં રાજ્યના શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાએ આજે તેમના નિવાસસ્થાનેથી પક્ષીપ્રેમ અને પર્યાવરણ સંરક્ષણ માટે સૌ નાગરિકોને અનુરોધ કર્યો.
શિક્ષણ મંત્રીની લોકોને અપીલ
મંત્રીએ ઉમેર્યું કે,"ઘરની આસપાસ નાનકડા પાણીના કુંડાઓ મૂકીને આપણે અનેક પક્ષીઓના જીવ બચાવી શકીએ છીએ. આ નાનકડું પગલું પ્રકૃતિ માટે મોટો સહારો બની શકે છે. તેમણે ખાસ કરીને માતા-પિતાઓને અનુરોધ કર્યો કે તેઓ બાળકો સાથે મળીને પક્ષીઓ માટે પાણી મૂકવાની પ્રવૃત્તિમાં જોડાય. "આવી સહભાગીતા બાળકોમાં જીવદયા, કરુણા અને પર્યાવરણ પ્રત્યેની સંવેદનશીલતાનું સંસ્કાર બીજ રોપી શકે છે," એમ મંત્રીશ્રીએ જણાવ્યું.
નાનકડું પગલું પક્ષીઓને આપશે રાહત
બાળકોને લઈને સૂચન કર્યું કે "તમે પણ તમારા ઘરમાં, ટેરેસ પર કે બારણાની બારી પાસે નાનકડો પાણીનો કુંડો મૂકો; જેથી પક્ષીઓ તેમના નિવાસ્થાને આવીને પાણી પીને આ કાળઝાળ ગરમીમાં રાહત મેળવે. દરરોજ તેનું પાણી બદલો. પાણીપીને તૃપ્ત થતા પક્ષીઓનું કલરવ સાંભળવું અને તેમને મદદરૂપ થવું એ જીવનમાં સાચો આનંદ આપે છે. મંત્રીએ પોતાના નિવાસસ્થાને પણ પક્ષીઓ માટે પાણીના કુંડાઓ મૂકીને સૌ નાગરિકો અને ખાસ કરીને શાળાના વિદ્યાર્થીઓ અને નાનકડા ભૂલકાઓને જીવદયાનો સરસ સંદેશ આપ્યો.
હંમેશા લોકોને મદદનો પ્રયાસ
શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા હંમેશા ઉદાર અભિગમ ધરાવતા જોવા મળ્યા છે. પક્ષીઓ અને પર્યાવરણની સુરક્ષાને લઈને તેમણે સંદેશ આપ્યો છે. પ્રકૃતિ પ્રેમી શિક્ષણમંત્રી માનવીય ધોરણે પણ અન્યોની મદદ કરવામાં અગ્રેસર રહ્યા હોવાનું અનેક વખત સામે આવ્યું છે. એક વખત સરથાણા રિંગરોડ વિસ્તારમાં સર્જાયેલ અકસ્માતમાં એક મહિલાને ગંભીર ઇજાઓ થઈ હતી ત્યારે આ પીડિત મહિલાને તાત્કાલિક સારવાર મળે તે હેતુસર પોતાની કારમાં બેસાડી સમયસર હોસ્પિટલ પહોંચાડી હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળતા મોટા જોખમથી બચી શકાય છે. આ મહિલાને તાત્કાલિક સારવાર મળતા તે જલદી સ્વસ્થ થઈ.













