- પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો
- રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે લેશે વિદાય
- પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની રહેશે
રાજ્યમાં ગરમીનો પ્રકોપ ઘટ્યો છે. જેમાં પવનની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થયો છે. તેમજ રાજ્યમાં ગરમી હવે ધીરે ધીરે વિદાય લેશે. રાજ્ય તરફ અરબી સમુદ્રમાંથી આવતા પવનની ગતિ વધી છે. જેમાં રાજ્યમાં પવનની ગતિ 25/30 કિમી પ્રતિકલાકની રહેશે. રાજ્યમાં એક સપ્તહમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે.
પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના
પવન સાથે ભેજનું પ્રમાણ વધતાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. આ વર્ષે રાજ્યમાં ચોમાસું 1 થી 2 દિવસ વહેલુ શરૂ થશે. તેમજ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નોંધાયેલ તાપમાનમાં સૌથી વધુ તાપમાન સુરેન્દ્રનગરમાં 43.0 ડિગ્રી છે. તેમજ અમદાવાદ 42.0 ડિગ્રી,ગાંધીનગર 41.5 ડિગ્રી તેમજ કંડલા 40.5 ડિગ્રી,રાજકોટ 40.5 ડિગ્રી તથા ડીસા 39.9 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગર 39.5 ડિગ્રી અને વડોદરા 39.4 ડિગ્રી,સુરત 35.7 ડિગ્રી તાપમાન રહ્યું છે.
આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી સાત દિવસ દરમિયાન વાતાવરણ સૂકું રહેશે. જ્યારે આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઇ ફેરફાર જોવા મળશે નહીં. અરબી સમુદ્રમાંથી ભેજ આવી રહ્યું છે. જો કે, વરસાદ થશે નહીં, પરંતુ વાદળ રહેશે. ભારતીય હવામાન વિભાગ પ્રમાણે ચોમાસું હવે કેરળમાંથી આગળ વધી રહ્યું છે, જે અન્ય રાજ્યોમાં વરસાદ લાવશે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું ઉત્તરપૂર્વ અને ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી, ત્રિપુરા, મેઘાલય, આસામ અને સિક્કિમના ભાગો તરફ આગળ વધી રહ્યું છે. તેમજ પશ્ચિમ બંગાળમાં ચોમાસુ પહોંચી જશે તેવી સંભાવના છે. અરુણાચલ પ્રદેશમાં આજે અને આવતીકાલે ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આસામ અને મેઘાલયમાં આજથી ચોથી જૂન સુધી ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. બીજી જૂને ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ચોમાસાનું આગમન થશે તેવી શક્યતા છે.