રાજ્યમાં ઉનાળાની હજુ તો શરૂઆત થઈ છે અને ગરમીનો પારો પણ સાથે સાથે ઉપર આવી રહ્યો છે. ગરમીના પ્રકોપની શરૂઆત પણ રાજ્યના અલગ અલગ વિસ્તારમાં જોવા મળી રહી છે. આજે મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળ્યું છે. રાજ્યના 11 જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને પાર નોંધાયું છે.
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું
ભૂજમાં સૌથી વધુ 42 ડિગ્રી ગરમીનું તાપમાન નોંધાયું છે તો અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડીગ્રીને પાર ગરમીનો પારો પહોંચ્યો છે. સુરતમાં 41.1 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કચ્છના નલિયામાં 40.2 ડિગ્રી, અમરેલીમાં 40.0 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ અને સુરેન્દ્રનગરમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો મહુવામાં 40.4 ડિગ્રી અને કેશોદમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
11 માર્ચે બનાસકાંઠા અને સુરતમાં ગરમીને લઈને યલો એલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરવામાં આવે તો 11 માર્ચે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. આજે અમદાવાદનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચ્યું છે. રાજકોટમાં સૌથી વધુ તાપમાન 41.1 ડિગ્રી નોંધાયું છે, સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સતત ત્રણ દિવસ તાપમાનમાં વધારો થશે. ત્રણ દિવસ બાદ તાપમાન 2થી 3 ડિગ્રી સુધી ઘટી શકે છે. 13 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યલો અલર્ટ આપવામાં આવ્યું છે.
3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી
આગામી 3-4 દિવસ તાપમાન 40થી 42 ડિગ્રી રહેવાની આગાહી કરવામાં આવી છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં ગરમી વધવાની સંભાવના પ્રબળ છે. એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં પલટો આવશે. માર્ચની શરૂઆતથી જ ગરમીનો પારો અમદાવાદ શહેરમાં 36થી 37 ડિગ્રી જોવા મળ્યો હતો. જો કે હવે ગુજરાતાના અનેક શહેરોમાં ગરમી 40થી 42 ડિગ્રી પહોંચશે.