રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે
રાજ્યમાં ક્યાંક હિટવેવ ક્યાંક માવઠાની આગાહી કરવામાં આવી છે. કાળઝાળ ગરમી વચ્ચે ગાજવીજ સાથે વરસાદ પડતાં રાજ્યમાં બેવડી ઋતુની અસર વર્તાશે. ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા અનેક વિસ્તારોમાં માવઠું જોવા મળી શકે છે. 4 દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, પંચમહાલ, દાહોદ,વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગમાં,નવસારી અને વલસાડ,દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાનમાં અચાનક પલટો આવતા આજે ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર,પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત,તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે.
આ વિસ્તારોમાં હિટવેવની સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા મુજબ પોરબંદર, જૂનાગઢ, દીવમાં હિટવેવની સંભાવના છે. જ્યારે સૌથી વધુ તાપમાન મહુવામાં 41.4 ડિગ્રી નોંધાયું. રાજકોટમાં 41.1 ડિગ્રી, સુરેન્દ્રનગરમાં 41 ડિગ્રી, કેશોદમાં 40.2 ડિગ્રી, વડોદરામાં 40.2 ડિગ્રી નોંધાયું, ભુજમાં 39.6, સુરત 38.2 ડિગ્રી તાપમાન નોંધાયું. પોરબંદર, અમદાવાદ અને ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન, ડીસામાં 40 ડિગ્રી, વલ્લભ વિદ્યાનગરમાં 38.9 ડિગ્રી, ભાવનગરમાં 38.1 ડિગ્રી તાપમાન નોંધાયું.
45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે
રાજ્યમાં ગરમીને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. રાજ્યમાં મહત્તમ તાપમાનમાં વધારો થયા બાદ અચાનક હવામાનમાં પલટો આવતા 45 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે તેવી આગાહી કરવામાં આવી છે. દરિયાઇ કાંઠા અને ગ્રામીણ વિસ્તારમાં પણ ગરમીનો પ્રકોપ ઘટયો છે જ્યારે શહેરી વિસ્તારમાં તાપમાનમાં નજીવો ફેરફરા થતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે. હવામાન વિભાગ મુજબ એપ્રિલ મહિનાના આરંભમાં બેવડી ઋતુની અસર જોવા મળી છે જ્યારે આગામી દિવસોમાં જોરદાર પવનો ફૂંકાવા સાથે અનેક વિસ્તારોમાં માવઠાની પણ આગાહી કરી છે.