ગુજરાતીઓ હાલ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનનો મિજાજ કેવો રહેશે તે અંગેની આગાહી જાણીએ. આજે હવામાન વિભાગે રાજ્યમાં ઠંડી, માવઠા અને પવન અંગેની આગાહી કરી છે. નોંધનીય છે કે, હાલ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેના કારણે ગુજરાતના પાડોશી રાજ્યોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિસ્ટમ આવતાની સાથે જ ગુજરાતનું હવામાન પણ પલટાશે.
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી
ઠંડી અંગે હવામાન વિભાગની આગાહી સામે આવી છે કે રાજ્યમાં બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર થશે નહીં. તેમજ બે દિવસ બાદ 2-3 લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટ્બન્સની પણ અસર છે જેથી ઠંડી ઘટી છે. હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ બાદ ઠંડીનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે, જેને પગલે ઠંડીનો પારો 13 ડિગ્રી સુધી ગગડવાની આગાહી કરવામાં આવી છે, જે આ સિઝનની સૌથી વધુ ઠંડી હોવાનું પણ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. કારણ કે, આ સિઝનમાં અત્યાર સુધીમાં લઘુતમ તાપમાન 14 ડિગ્રીના નીચે ગયું નથી.
- બે દિવસ સુધી તાપમાનમાં કોઈ ફેરફાર નહીં
- બે દિવસ બાદ 2-3 ડિગ્રી તાપમાનમાં ઘટાડો થશે
- અમદાવાદમાં 17,ગાંધીનગરમાં 16.7 ડિગ્રી તાપમાન
- સૌથી ઓછું તાપમાન નલિયામાં 10.5 ડિગ્રી નોંધાયું
- દક્ષિણ પૂર્વના પવનો ફુંકાવાથી તાપમાનમાં થયો વધારો
- હાલ રાજ્યમાં પવનની દિશા ઉત્તર પૂર્વથી પૂર્વની
અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી
આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં મોટો પલટો જોવા મળી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે ભારે ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી છે. જેથી કરીને ગુજરાતીઓ હવે ભર શિયાળામાં વરસાદની થપાટ માટે પણ તૈયાર રહેજો. જાણો કયા વિસ્તારોમાં કયારે વરસાદ વરસી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું કે ઠંડીમાં બે દિવસ ઘટાડો થશે. 22-23 જાન્યુઆરીથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હિમ વર્ષાની સંભાવના રહેલી છે. જેના કારણે 22-23 જાન્યુઆરીએ ગુજરાતમાં ઠંડી વધશે.
અંબાલાલ પટેલે વધુમાં કહ્યું કે, 24-25 જાન્યુઆરીએ દક્ષિણ ભારતમાં વરસાદ થતા તેની અસર સ્વરૂપે પશ્ચિમ ભારતમાં વાદળો આવવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આગાહી મુજબ આગામી 27 થી 30 જાન્યુઆરી દરમિયાન મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવે તેવી શક્યતા છે જેના કારણે રાજ્યમાં માવઠાની શક્યતા પણ રહેલી છે. દક્ષિણ - પૂર્વ અને ઉત્તર ગુજરાતમાં વરસાદી છાંટા પડી શકે છે. અંબાલાલની આગાહી મુજબ ફેબ્રુઆરીની શરૂઆતમાં પણ હવામાનમાં પલટો આવી શકે છે. 7 થી 9 ફેબ્રુઆરીમાં વાદળવાયું આવી શકે. એટલે કે વાદળા આવી શકે છે.