કચ્છમાં દર વર્ષે મોટા પ્રમાણમાં કેસર કેરીનું ઉત્પાદન થાય છે, પરંતુ આ વખતે શરૂઆતથી જ વાતાવરણમાં બદલાવ જોવાને કારણે ઉત્પાદનમાં 30 ટકા જેટલો ઘટાડો થવાની શક્યતા હતી, પરંતુ તાજેતરમાં ત્રાટકેલા ભારે પવન સાથે વરસાદને કારણે વિવિધ ગામોમાં કેરીના પાકને ભારે નુકસાની થવા પામી હોવાનાં અહેવાલો સાંપડી રહ્યા છે. બાગાયતી વિભાગનું માનીએ તો તાજેતરમાં ફૂંકાયેલા ભારે પવન અને વરસાદને પગલે કેસર કેરીનાં પાકમાં વધુ 5થી 7 ટકા જેટલું નુકસાન થયું છે. જેને કારણે કેસર કેરી પકવતા ખેડૂતોને આ વખતે ભારે નુકસાની થવાની સંભાવના જોવા મળી રહી છે.
આમ તો કચ્છની કેસર કેરીની માત્ર કચ્છ કે ગુજરાતમાં જ નહીં પરંતુ દેશ- વિદેશમાં ભારે માગ જોવા મળશે. જિલ્લામાં મુખ્યત્વે ભુજ, અંજાર, નખત્રાણા અને માંડવી પંથકમાં મોટા પ્રમાણમાં ખેડૂતો આંબાનો પાક લઇ રહ્યા છે. આ વર્ષનાં પ્રારંભ સાથે જ આંબામાં પુષ્કળ પ્રમાણમાં મોર આવ્યા હતા જેને કારણે ખેડૂતોને સારી સીઝન જવાની આશા બંધાણી હતી, પરંતુ ત્યાર બાદ તુરંત વાતાવરણમાં બદલાવને કારણે તેની સીધી અસર આંબાનાં ઝાડ પર થઇ હતી. ફાલ ખરી પડતાં કેરીનાં ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો થવાની શક્યતાને પગલે ખેડૂતોની હાલત કફોડી બની હતી. અધૂરામાં પૂરું તાજેતરમાં પડેલા ભારે પવન સાથે કમોસમી માવઠાએ કેરીના પાકમાં રહી સહી કસર પણ પૂરી કરી નાખી છે. પવનના સુસવાટા વચ્ચે આંબા ઉપર લાગેલી કેરીઓ ખરી પડી હતી. જેને કારણે ખેડૂતોની સ્થિતિ પડયા ઉપર પાટા સમાન બની ગઇ છે. ૫થી ૭ ટકા જેટલી કેરીઓ ખરી પડી હોવાનું જણાવા મળી રહ્યું છે.
વધુ પવન ફૂંકાતા 5થી 7 ટકા જેટલી કેરી ઝાડ પરથી ખરી પડી
કચ્છનાં બાગાયતી અધિકારી મનદીપ પરસાણિયાએ જણાવ્યું હતું કે, કચ્છમાં છેલ્લા પાંચ - સાત દિવસથી વાતાવરમાં પલટો જોવા મળી રહ્યો છે. વિવિધ વિસ્તારોમાં ગાજવીજ સાથે માવઠા પડયા હતા. તેમાંય રવિવારે કમોસમી વરસાદની સાથે સાથે ભારે પવન પણ ફૂંકાયો હતો. જેને કારણે કચ્છનાં ખેડૂતોને ખાસ કરીને કેસર કેરીનાં પાકને નુકસાની થઇ છે. આ સંદર્ભે કેસર કેરીનું ઉત્પાદન કરતાં ખેડૂતોએ પોત પોતાનાં વિસ્તારમાં ૫થી 7 ટકા જેટલું કેરીના પાકમાં નુકસાન થયું હોવાનું જણાવ્યું છે. આમ તો કેરીનાં ઝાડ ઉપર મોર આવ્યા તે સમયે જ વાતાવરણમાં પટલો આવતા 30 ટકા પાકને નુકસાની થઇ હતી. તેવામાં ફરી એકવાર 5થી 7 ટકા જેટલી તૈયાર કેરીઓ ઝાડ ઉપરથી ખરી પડવાને કારણે ખેડૂતોની નુકસાનીમાં વધારો થયો છે.
ખેડૂતોના હાથમાં માંડ 40 ટકા જેટલો કેરીનો પાક આવશે
કિસાન સંઘનાં વાલી શિવજીભાઇ બરાડિયાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં મુખ્યત્વે ભુજ, મુન્દ્રા, અંજાર, માંડવી અને નખત્રાણામાં સૌથી વધુ કેસર કેરીનું વાવેતર છે જ્યારે અન્ય તાલુકામાં સરખામણીએ ઓછું વાવેતર ખેડૂતો દ્વારા કરાયું છે. જોકે, જ્યારે આંબાના ઝાડ ઉપર મોર લાગ્યા તે સમયે પણ વાતાવારણમાં પટલો આવ્યો હતો. જેને કારણે મોર ખરી જતાં 30થી 40 ટકા પાકને નુક્સાન થયું હતું. તેવામાં તાજેતરમાં પડેલા ભારે પવન સાથે પડેલા માવઠાને પગલે વધુ ૨૦ ટકા જેટલા કેરીનાં પાકને નુકસાની થઇ છે. પરિણામે આ વખતે ખેડૂતોનાં હાથમાં માંડ 40 ટકા જેટલો કેરીનો પાક આવશે. ઉત્પાદન ઘટવાને કારણે ખેડૂતોની નુકસાનીમાં પણ ઘણો વધારો થયો છે. માર્કેટમાં કેસર કેરી ઓછી આવવાને કારણે ભાવો પણ આ વખતે ભડકે બળશે.
જિલ્લા બહારની કેસર કેરીનાં બોલાતાં રૂ. 500થી 700ના ભાવ
સામાન્ય રીતે કચ્છની કેસર કેરીનું જૂન માસમાં આગમન થતું હોય છે. તે પૂર્વે બહારનાં જિલ્લાઓમાંથી કેસર કેરી માર્કેટમાં વેચાણ અર્થે ઠલવાશે. હાલે જિલ્લા બહાર કેસરની કેરીની સીઝન શરૂ થઇ હોઈ કચ્છની બજારમાં ભાવો ઊંચા બોલાઈ રહ્યા છે. હાલે માર્કેટમાં પાંચ કિલો કેરીનાં રૂ. 500થી 700નો ભાવ બોલાઇ રહ્યો છે. અધૂરામાં પૂરું જે રીતે હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી ચાર દિવસ માવઠાની આગાહી કરવામાં આવી છે. જેને કારણે સ્વાભાવિકપણે જ કેસર કરીની ખરીદીમાં ઘટાડો જોવા મળે. વળી, ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિને લઇને ચાર-પાંચ દિવસથી લોકોમાં અજંપો જોવા મળતો હતો. લોકોએ અનાજ સહિતની ઘરવખરી ખરીદી હતી, જેને કારણે કેસર કેરીનું વેચાણ નહીંવત્ રહ્યું હતું.