ઈડરના પાનોલ અને જેતપુર ગામની સીમમાં 4 દિવસ અગાઉ મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો, જે મામલે વન વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા જાણવા મળ્યુ હતુ કે, ઘઉંના ખેતરના શેઢે વન્ય પ્રાણીઓને પોતાની જાળમાં ફસાવવા માટે મુકેલ ગાળીયામાં દીપડો ફસાઈ ગયો હતો, જેના કારણે તેનુ મોત નીપજયુ હતુ. જે મામલે વન વિભાગે ખેતરના ભાગીયા સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ફરીયાદ નોંધીને તેમની અટકાયત કરીને કોર્ટમાં રજુ કરાતા ત્રણેયના જામીન નામંજૂર કરતા સબજેલના હવાલે કરવામાં આવ્યા છે.


ડુંગરોમાં દીપડો અવારનવાર જોવા મળતો હોય છે

ઈડરિયા ગઢ તેમજ તાલુકાના આસપાસનાં વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી કેટલાક દીપડાઓ પોતાનાં પરીવાર સાથે વસવાટ કરે છે જેમાં ઈડર ગઢ, લાલોડા, ઓડા, રૂવચ, સાબલી, વસાઈ, લિંભોઈ રોડ, વેરાબર જેવા આસપાસનાં ડુંગરોમાં દીપડો અવારનવાર જોવા મળતો હોય છે. દરમ્યાન ગત તા.26 ડિસેમ્બર ગુરુવારના રોજ ઈડર તાલુકાના પાનોલ અને જેતપુર ગામની સીમમાં એક મૃત હાલતમાં દીપડો મળી આવ્યો હતો. જે મામલે ઈડર ફોરેસ્ટ વિભાગના ગોપાલ પટેલ, નાયબ સંરક્ષણ સામાજિક વનીકરણ સાબરકાંઠાના એસ.ડી.પટેલ, મદદનીશ વન સંરક્ષણ વનીકરણ સાબરકાંઠાના બી.સી.ડાભી તેમજ સ્ટાફ દ્વારા ઘટના સ્થળે પહોંચી ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી.

પીએમ રીપોર્ટમાં દીપડાનું ગુંગળામણથી મૃત્યુ

જેમાં પીએમ રીપોર્ટમાં દીપડાનું ગુંગળામણથી મૃત્યુ થતાં સામે આવતા વન વિભાગે ઘટનાસ્થળના આસપાસના ખેતર માલિક અને ભાગીયાઓની તપાસ કરી હતી. જેમાં ભાગીયા તરીકે કામ કરતાં ખેડબ્રહ્મા તાલુકાના રાણા અણદા કોદરવી નામના શખ્સ કે જે ઘટનાના દિવસથી ફરાર હોવાનુ સામે આવતાં તેની તપાસ કરીને વતનમાંથી ઝડપી લેવામાં આવ્યો હતો. જેનો ઈરાદો વન્ય પ્રાણીઓને લાકડા સાથે વાયર બાંધીને તૈયાર કરવામાં આવેલ ગાળીયામાં ફસાવીને શિકાર કરવા માટેનો હતો. જેમાં અન્ય બે શખ્સો પણ સામેલ હોવાનું ખુલતા વનવિભાગે ત્રણેયને ઝડપીને કોર્ટમાં રજુ કરવામાં આવ્યા હતા. જેમના રિમાન્ડ નામંજુર થતાં ત્રણેયને સબજેલને હવાલે કરવામાં આવ્યા છે.

મૃત દીપડા મામલે ઝડપાયેલા આરોપીઓ

રાણા અણદા કોદરવી (ભાગીયો) (ઉં.વ.30) (રહે. વાઘેશ્વરી, તા.ખેડબ્રહ્મા), બળવંત નેવા સોલંકી (ઉ.વ.27) (રહે. ઉપલો ફળો, બહેડીયા, ખેડબ્રહ્મા), કમલેશ ઈશ્વર પટેલ (ઉં.વ.43) (રહે. જેતપુર, વડાલી)

પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં મોતનુ કારણ જાણવા મળ્યુ હતુ

ચાર દિવસ અગાઉ મળી આવેલ મૃત દીપડાને વન વિભાગે પીએમ કરાવવામાં આવ્યુ હતુ. જેમાં તેનું મોત શ્વાસ રૂંધાઈ જવાથી એટલે કે ગુંગળામણના કારણે મોત નીપજયુ હોવાનું સામે આવ્યુ હતુ. જેથી વન વિભાગે આ દિશામાં તપાસ કરવા જે સ્થળે દીપડોનો મૃતદેહ મળી આવ્યો હતો તેની આસપાસ આવેલા ખેતરના માલિકો અને ભાગીયાઓની પુછપરછ કરતાં એક ભાગીયો ફરાર હોવાનું જાણવા મળતાં સમગ્ર ભેદ ઉપરથી પડદો ઉંચકાઈ ગયો હતો.

દીપડાના મોત માટે જવાબદારોને 7 વર્ષની સજાની જોગવાઈ

જંગલી પ્રાણીઓના રક્ષણ માટે અલગ અલગ કાયદા અને સજાની જોગવાઈ છે. જે મુજબ આ ઘટનામાં ઝડપાયેલ આરોપીઓ સામે વન પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 અન્વયે અનુસુચિ 1 અંતર્ગંત કલમ 9 સાથે વંચાણે લીધેલ કલમ 2(16), 39, 51, 52 અને 55 હેઠળ સાત વર્ષ સુધીની સજા થઈ શકે છે.

  • Follow us on: