ગીર સોમનાથ જિલ્લામાં ખનીજ માફિયા બેફામ બન્યા. જિલ્લામાં ખનીજ માફિયાઓ ફરી સક્રિય થતાં કોડીનાર, ગીર ગઢડા અને ઉનામાં બેફામ ખનીજ ચોરી કરી રહ્યા છે. ખનીજ ચોરીની ઉચ્ચકક્ષાએ રજૂઆત બાદ ઉનામાં દરોડા પાડવામાં આવ્યા. ઉનાના રાતડ ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી ગેરકાયદે ચાલતી લાઈમ સ્ટોનની બે ખાણો ઝડપી. વિભાગે દરોડામાં બે ખાણોમાંથી 6 ચકરડી મશીન, 2 જનરેટર, ટ્રેક્ટર સહિત કુલ 25 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.


ખનીજ માફિયાઓ બેફામ

કોડીનારના ઘાટવડ, ગીર ગઢડા અને ઉના પંથકમાં ગેરકાયદે ખાણો ફરી ધમધમવા લાગી. પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બનતા ઉચ્ચ કક્ષાએ ફરિયાદ કરાઈ. અને આખરે ગીર સોમનાથ ખાણ ખનીજ ખાતું સફાળું જાગ્યું. ઉનાના રાતડ ગામે મંજૂરી વગર ચાલતી ગેરકાયદેસર ખાણ અંગેના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થતા તંત્ર ત્રાટક્યું.

ઉના તાલુકા વિસ્તારના બિલ્ડિંગ લાઇમ સ્ટોનની ગેરકાયદેસર ખાણો ફરીથી મોટા પાયે શરૂ થતાં ઉચ્ચસ્તરે ફરીયાદ કરાઈ. આ ઉપરાંત આ વિસ્તારમાં ખૂબ મોટા પાયે રેતીની પણ ચોરી થઈ રહી છે. સ્થાનિક પોલીસ તંત્ર અને ખાણ ખનીજ વિભાગની રહેમ નજર હેઠળ તાલુકામાં અને દરીયા કિનારે ખનીજ માફિયા બેફામ બનતા ખનનની ચોરી કરી રહ્યા છે. જ્યાં સુધી ઉચ્ચસ્તરીય ફરિયાદ ના થાય અથવા તો સંદેશ ન્યૂઝ જેવા ઓપરેશન પાતાળના સ્ટિંગ ઓપરેશનના વીડિયો સામે આવે ત્યારે જ તંત્ર એકશનમાં આવે છે.

દરોડાનું નાટક

ખનીજ ચોરીનો મામલો મીડિયામાં આવે ત્યારે દેખાવ પૂરતી દરોડાની કામગીરી કરવામાં આવે છે. મોટાભાગના દરોડામાં ટ્રેકટર અને કેટલાક મશીનો જ મળે છે. એવું કહી શકાય કે દરોડાનું ફકત નાટક કરવામાં આવે છે. કારણ કે જયારે અધિકારીઓ ખનન ચોરીના સ્થાન પર પંહોચે છે ત્યારે ખનન ચોરીમાં સામેલ મોટા માફિયાને કયાંકથી દરોડાની જાણ થઈ જતાં મજૂર સહિત માફિયાઓ પણ ગાયબ થઈ જાય છે. ખનન ચોરીનો મામલો શાંત પડતાં જ ફરી પાછા ખનીજ માફિયા બેફામ બની અમૂલ્ય ખનીજનો કાળો કારોબાર ચલાવે છે. 

  • Follow us on: