સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પોલીસ કર્મીઓ યુવરાજસિંહ અને જિતેન્દ્રસિંહને મળેલી બાતમીના આધારે એનડીપીએસ એક્ટના ગુનામાં વોન્ટેડ આરોપી ઇમરાન ઉર્ફે મુડી સાહુબદ્દીન ઉસ્માની (ઉ.વ. ૨૮, રહે. સોયેબનગર, મદીના મસ્જિદ પાસે, ઉન)ને ભેસ્તાનમાં શાલીબાર રેલવે બ્રિજ નીચેથી પકડી પાડયો હતો.
આરોપી ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
પોલીસના જણાવ્યા પ્રમાણે ગત તા. 28 એપ્રિલે ઉન પાટિયા, તિરુપતિનગરમાં હેલ્લો મોબાઈલ નામની દુકાન પાસેથી સોહેલ મોહમંદ શૌકત મન્સૂરી ૧૮૬ ગ્રામ વજનના ગાંજાના જથ્થા સાથે પકડાયો હતો. પોલીસે ગાંજો, મોબાઈલ, રોકડ રકમ કબજે લીધી હતી.જે અંગે ભેસ્તાન પોલીસે ગુનો નોંધ્યો હતો. જે આરોપીની પૂછપરછમાં ઈમરાનનું નામ ખૂલ્યું હતું. ઈમરાન અને મહેફૂઝ છૂટકમાં ગાંજો વેચતા હતા. આરોપી રીઢો ગુનેગાર છે. શહેર પોલીસના હાથે પ્રોહિબિશન, મારામારી, ચોરી, આર્મ્સ એક્ટ, હત્યા સહિતના ૨૦ ગુનામાં પકડાઈ ચૂક્યો છે.
બે દિવસ પહેલા સુરતમાંથી ઝડપાયો હાઈબ્રીજડ ગાંજો
સુરત શહેરમાં વારંવાર ગાંજો અને ડ્ર્ગસ ઝડપાતું રહે છે, ત્યારે વધુ એક વાર હાઈબ્રીડ ગાંજો ઝડપાયો હતો, સુરતમાં 50 લાખથી વધુનો ગાંજો પકડતા પોલીસ પણ તપાસ કરી રહી છે, તો સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આ ગાંજો ઝડપી પાડવામાં આવ્યો છે, તો બે ડ્રગ્સ પેડલરની પણ ધરપકડ કરવામાં આવી છે.
સુરતમાં 10 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયુ
સુરતમાં ગાંજો તો ઝડપાયો સાથે સાથે 10 લાખનું મેફેડ્રોન ડ્રગ્સ પણ મળી આવ્યું છે, રાણીતળાવ ખાતેથી આ ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે, અંદાજીત 100 ગ્રામ ડ્રગ્સ પોલીસે જપ્ત કર્યુ છે અને એક પેડલરની ધરપકડ કરી છે, પેડલર ડ્રગ્સ લઈને અલગ-અલગ જગ્યાએ આપતો હતો અને તેની બાતમી પોલીસને મળી હતી અને તેની ધરપકડ કરવામાં આવી છે. લાલ ગેટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.