- દ્વારકામાં જોખમી વોટર રાઈડ્સ બંધ કરાઈ
- શિવરાજપુર બીચ, ગોમતી ઘાટે ચાલતી હતી રાઈડ્સ
- તત્કાળ પ્રભાવથી આ જોખમી પ્રવૃત્તિઓ પર લાગી રોક
દ્વારકામાં જિલ્લા તંત્ર દ્વારા યાત્રિકોની સેફ્ટીને ધ્યાને લઈને એક મહત્વનો અને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. અહીં હવે સેફ્ટીના સાધનો વગર ચાલતા સ્કૂબા અને પેરાગ્લાઈડિંગના વોટર સ્પોર્ટ્સને તાળાં લાગી ગયા છે. તંત્ર દ્વારા ગેરકાયદે ચાલતી આ વોટર સ્પોર્ટ્સની કામગીરી પર તત્કાળ પ્રભાવથી રોક લગાવવામાં આવી છે.
મહત્વનું છે કે આ નિર્ણય દ્વારકાના જિલ્લા કલેક્ટર તંત્ર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતા ગેરકાયદે વોટર સ્પોર્ટ્સ સામે તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે અને કાર્યવાહી દોર ચલાવવામાં આવ્યો છે. બીચ પર તમામ ગેરકાયદે ચલાવવામાં આવતી વોટર સ્પોર્ટ્સ એક્ટિવિટી બંધ કરવામાં આવી છે. જિલ્લા તંત્રે તત્કાળ પ્રભાવથી આ ગેરકાયદે એક્ટિવિટી બંધ કરાવી છે. પેરાગ્લાઇડિંગ કરતા યાત્રિકનો અકસ્માતનો ભોગ બનતાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો હોવાનું જાણવામાં આવી રહ્યું છે. બોટ રાઇડ, પેરાગ્લાઇડિંગ સહિતની એક્ટિવિટી સંપૂર્ણ પણે બંધ કરી દેવાઈ છે.
આ મામલે દ્વારકાનાં શિવરાજપુર બીચનો એક બનાવ સામે આવ્યો હતો. જેમાં એક યાત્રિક પેરાગ્લાઈડિંગ કરી રહ્યો હતો અને આ સમયે તે ઉપરથી નીચે પટકાયો હતો. જેના લીધે તે ઘાયલ થયો હતો. દ્વારકાનાં બીચ પર પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા જેવી એક્ટિવિટી ચાલતી હોય છે. જેમાં ટુરિસ્ટો પૈસા આપીને રાઈડ્સની મજા માણતા હોય છે. જો કે આ પેરાગ્લાઈડિંગ દરમિયાન જ્યારે યાત્રી સાથે દુર્ઘટના બની ત્યારે અન્ય પર્યટકો પણ બોટ રાઇડ અને પેરેગ્લાઇડિંગની મજા માણી રહ્યા હતા. એટલું જ નહીં કેટલાક યાત્રિકો સ્કૂબાનો જોખમી આનંદ ઉઠાવી રહ્યા હતા. જેથી યાત્રિકોની સલામતી જોખમાય નહીં તેને લઇને કલેક્ટરે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
મહત્વનું છે કે દ્વારકાના શિવરાજપુર બીચ પર ચાલતી આ જોખમી વોટર સ્પોર્ટ્સ માટે કોઈ પણ પ્રકારનું લાયસન્સ લેવામાં આવ્યું નથી. અહીં સ્થાનિક ધોરણે અને બહારનાં પણ એવા ઘણાં લોકો છે જે બીચ પર પેરાગ્લાઈડિંગ, સ્કૂબા ડાઈવિંગ, બોટ રાઈડિંગ વગેરે જેવી એક્ટિવિટીને ખાસ કમાવવાના ધોરણે જ કરે છે. આનાથી ટુરિસ્ટોને મજા તો આવે છે પરંતુ ક્યારેક આ મજા તેમના જીવન માટે જીવલેણ પણ બની શકે તેમ છે. આ મામલે એક મોટી જાણકારી એવી પણ સામે આવી છે કે આ તમામ તત્વો આવી પ્રવૃત્તિઓ માટે કોઈ પણ પ્રકારની સુરક્ષા વ્યવસ્થા વિના જ બોટ રાઈડ્સ,પેરાગ્લાઈડિંગ અને સ્કૂબા ડાઈવિંગ ચલાવાઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. મુસાફરોની સુરક્ષાની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે આવા બનાવો બનતાં રહે છે જેના કારણે પર્યટકોનાં જીવનું જોખમ વધે છે. મંજૂરી વિનાનો આ પ્રકારનો વેપાર શિવરાજપુર, ગોમતી ઘાટ, બેટ દ્વારકા પર ચાલી રહ્યો છે. જો કે હવે તંત્રની લાલ આંખ થતાં જ આ કામગીરીને તત્કાળ પ્રભાવથી રોકવાનો નિર્ણય લેવાયો છે.