• 3 હજારથી વધુ સરકારી આવાસ વેચાતા નથી

  • 200થી વધુ દુકાનો ન વેચાતા પાલિકાને ખોટ
  • હાલની પરિસ્થિતિમાં પાલિકાને કરોડો રૂપિયાની ખોટ

વડોદરામાં મનપાનું તંત્ર ગરીબોની સારસંભાળ લેવામાં ઊણું ઉતર્યું છે. અહીં છેલ્લા 7 વર્ષથી કોર્પોરેશન દ્વારા વિવિધ ગરીબ આવાસ યોજના હેઠળ બનેલા 3000 મકાનો તેના લાભાર્થી ગરીબ પરિવારોને ફાળવી શકાયા નથી. જેના હિસાબે અનેક ગરીબ પરિવારો આજે પણ મોંઘું ભાડું ભરીને મજબૂરીમાં પોતાનો ગુજારો કરી રહ્યા છે. આ કુટુંબોએ મકાન હોવા છતાં પણ છત વગર પોતાનું ગુજરાન ચલાવવા મજબૂર થવું પડ્યું છે અને આમાં વાંક તેમનો નહીં પરંતુ તંત્રના અધિકારીઓ અને અમલદારોનો છે. આનાથી પાલિકાને પણ કરોડો રૂપિયાની ખોટ ગઈ હોવાનું કહેવાઈ રહ્યું છે.

મહત્વનું છે કે ગુજરાતમાં ગરીબ લોકો માટે મકાનો બનાવી આપવાની યોજનાઓ સરકાર તરફથી અમલી બનાવાઈ છે. જેનાથી નિર્ધન લોકોને સસ્તા દરે ડ્રો કરાવી તેના મારફતે પાક્કું મકાન બનાવી આપવામાં આવે છે. જેનાથી અનેક ગરીબ પરિવારોને પોતાની છત મળે છે અને તેઓ સ્વાભાવિક જિંદગી જીવી શકે છે. જો કે ફક્ત કાગળ ઉપર મકાન ફાળવણીની કાર્યવાહી બતાવતું તંત્ર વાસ્તવમાં લાભાર્થીઓને મકાનની ફાળવણી માં ઉણું ઉતર્યું છે. આ અંગેની માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં સરકારની વિવિધ ગરીબ આવાસ યોજનાઓમાં 599 કરોડના ખર્ચે 6649 મકાનો અને 402 દુકાનો બનાવવામાં આવી હતી, જેમાંથી વડોદરા મહાનગર પાલિકાની વિવિધ આવાસ યોજનાના 3000 મકાનો અને 200 દુકાનો છેલ્લા 7 વર્ષમાં લાભાર્થીઓ આપી શકાયા નથી. આ તૈયાર અનેક મકાનો અને દુકાનો વેચાણ કર્યા વિનાના પડી રહ્યા છે અને ભંગાર હાલતમાં ફેરવાઈ રહ્યા છે. હજારો લાખો કરોડો રૂપિયાના આંધણ છતાં પણ મનપા તંત્રના ગેરવહીવટના પાપે આ મકાનો અને દુકાનો તેના ખરા હકદારો સુધી ન પહોંચી શકતા તેઓ ધૂળ ખાઈ રહ્યા છે અને ગરીબો બહાર મોંઘુ ભાડું ભરવા માટે મજબૂર બની રહ્યા છે.

આટ આટલી મોટી સંખ્યામાં મકાનોની ઉપલબ્ધિ હોવા છતાં પણ કોર્પોરેશનને મકાન ફાળવણી કે દુકાનોની હરાજીની કંઈ પણ પડી નથી. પ્રશાસનની બેદરકારીને કારણે ગરીબ લોકોને ભાડાના મકાનમાં રહેવાનો વારો આવ્યો છે, વર્ષો પહેલાના મકાનોની તુલનામાં આજે 6.30 લાખમાં બનવામાં આવતા મકાન હવે 9 લાખમાં લાભાર્થીઓને અપાઈ રહ્યા છે. આમ ગરીબ લાભાર્થીઓને તો તેનો બેવડો માર પડી રહ્યો છે. ઉપરાંત બીએસયુપી માં અપાતા મકાનો જરૂરિયાતમંદ લોકો સુધી નથી પહોંચી રહ્યા. આ ઉપરાંત લોન કરવાની અમુક જટિલ પ્રક્રિયાને દૂર કરી લાભાર્થીઓ ને વહેલી તકે તેમના મકાનો મળે તે જરૂરી છે

આ મામલે સ્થાયી અધ્યક્ષ પોતે જ કહી રહ્યા છે કે હાલમાં જ લાભાર્થીઓને 1600 મકાન આપવાની પ્રક્રિયા ચાલી રહી છે, બાકી વધેલા 1000 મકાનોને પણ વહેલી તકે લાભાર્થીઓને સુપરત કરી દેવામાં આવશે તેમજ દુકાનોની હરાજીના નિયમો થોડા અઘરા છે જેન હળવા કરીને ફરીથી હરાજી કરવાનું કહેવામાં આવ્યું છે. એટલે કે સાત વર્ષથી લાભાર્થીઓ શોધવાની મથામણમાં આવાસો અને દુકાનો જર્જરિત થઈ રહયા છે ત્યારે પાલિકાની નવી યોજનાથી ક્યારે આ આવાસો તેના લાભાર્થીઓ સુધી પહોંચે છે તે હવે જોવું રહ્યું.


  • Follow us on: