• ગુજરાતમાં સરકારની સામે નવો પ્રશ્ન

  • શિક્ષકો જૂની પેન્શન યોજનાની માગણીને મેદાને
  • 9 ડિસેમ્બરે મહાપંચાયતનું થશે આયોજન

ગુજરાતમાં હવે લોકસભા ચૂંટણીને લઈને સત્તાપક્ષ અને કોંગ્રેસ વિપક્ષ તેમજ અન્ય પાર્ટીઓ પણ તેની તૈયારીઓ શરૂ કરી રહી છે. ચૂંટણી નજીક આવતાં જ તંત્ર પણ અનેક કામગીરીમાં જોડાશે, પરંતુ હાલના દિવસોમાં રાજ્ય સરકાર સામે એક નવું આંદોલન ઊભું થાય તેવી સંભાવનાઓ જોવાઈ રહી છે. આ વખતે જૂની પેન્શન યોજનાના મુદ્દે શિક્ષકો સરકાર સામે આંદોલન કરી શકે તેમ છે.

આ મુદ્દે વધુ જાણકારી અનુસાર રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના પ્રમુખ ભીખાભાઈ પટેલે એક મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં ગત વિધાનસભા ચૂંટણીની પહેલા સરકારની સામે પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં વિવિધ જિલ્લા અને તાલુકા સ્તર પર આ પ્રદર્શનો યોજાયા હતા. ત્યારે એક કમિટી બનાવીને આ માગણીઓને લઈને સરકારની સામે સમાધાન થયું હતું. પરંતુ અમારી માગણીઓ પર હજુ નિર્ણય લેવાયો નથી. સરકાર દ્વારા HTAT અને રાજ્યમાં બદલીની પ્રક્રિયાના મુદ્દે પણ હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આમ હવે સરકાર સામે જૂની પેન્શન યોજના મુદ્દે માગણી કરવામાં આવશે.

તેમણે તેમના નિવેદનમાં વધુમાં જણાવ્યું હતું કે 2005ની જૂની પેન્શન યોજનાનો સરકાર દ્વારા અમલ કરવામાં આવ્યો નથી. આ સિવાય અન્ય કર્મચારીઓને ઈજાફો આપવામાં આવ્યો હતો, જે અમને મળ્યો નથી. આ મુદ્દે ભીખાભાઈ પટેલે 9 ડિસેમ્બરે વિશાળ પદયાત્રાનું આહ્વાન કરી શિક્ષકોની મહાપંચાયત આયોજિત કરવાનું નક્કી કર્યું હતું. તેમણે કહ્યું હતું કે મહાપંચાયત જ્યાં બેઠી હશે ત્યાં યાત્રાનું આગમન થશે અને પછી મહાપંચાયતમાં જે નિર્ણય થાય તેની 11 સ્થાનો પર ઘોષણા કરવામાં આવશે. આ અંતિમ લડાઈ બની રહેશે અને જો સરકારના પત્રમાં લખેલી વાતનો નીવેડો દોઢ વર્ષ પછી પણ ન આવે તો ગુજરાતના ઈતિહાસમાં નવો પ્રયોગ મહાપંચાયતનો થશે.

આમ ચૂંટણી નજીક આવતા વધુ એકવાર રાજ્ય સરકારની સામે એક નવું આંદોલન ઊભું થાય તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. ભીખાભાઈ પટેલે જેમ જણાવ્યું તેમ આ તંત્રની સામે એક અંતિમ લડાઈ બની જશે. 9 ડિસેમ્બરે રાજ્યભરના શિક્ષકોની મહાપંચાયત યોજવાની તેમણે વાત કરી હતી. જેના પછી આંદોલનને લઈને કોઈ આગામી રણનીતિ યોજાય તેવો સંભવ જણાઈ રહ્યો છે.


  • Follow us on: