- MS યુનિર્વસિટીની બનાવટી માર્કશીટ મળતા ફરિયાદ
- એક જ વિદ્યાર્થીની બનાવટી 6 માર્કસીટો મળી
- સરગાસણના એમ્પાયર ઓવરસિઝમાં રેઈડ
હાલ રાજ્યભરમાં CID ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા વિવિધ સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં વિઝા કન્સલ્ટન્સીમાંથી બનાવટી માર્કશીટથી લાયકાત વિનાના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેમાં હવે ગાંધીનગરમાં એમ્પાયર ઓવરસીઝ સર્વિસના ઓથાર હેઠળ બરોડાની એમ એસ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ - ડિગ્રી સર્ટી બનાવવાનું નેટવર્ક ઝડપી પાડવામાં આવ્યું છે.
આ અંગેની માહિતી અનુસાર, ગુજરાતના જુદા-જુદા વિસ્તારોમાં ખાસ કરીને યુ.એસ./કેનેડા/યુ.કે. જેવા દેશમાં વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝા વિગેરે મેળવવા માટે જુદા- જુદા પ્રમાણપત્રોમાં છેડછાડ કરી ખોટા દસ્તાવેજો બનાવી અને વર્ક પરમિટ, સ્ટુડન્ટ વિઝાના રેકેટને ઉજાગર કરવા સીઆઇડી દ્વારા ગાંધીનગરની વિઝા કન્સલ્ટન્સીમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
જેમાં ગાંધીનગરના કુડાસણની ધ લેન્ડ માર્ક કોમ્પલેક્ષની હોપ રેઝ એજ્યુકેશન પ્રા. લિ. નામની ઓફિસમાંથી નકલી માર્કશીટના બનાવી લાયકાત વિનાના વિદ્યાર્થીઓને સ્ટુડન્ટ વિઝા પર વિદેશ મોકલી આપવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. યુનિવર્સિટીની ડિગ્રી સર્ટી બનાવી વિદેશ મોકલવાના કૌભાંડ વિઝા કન્સલ્ટન્સીનાં સંચાલક - મેનેજર વિરુદ્ધ ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે.
આ વચ્ચે હવે સરગાસણ કેપિટલ આઈકોન બિલ્ડીંગ સ્થિતિ એમ્પાયર ઓવરસીઝમાંથી પણ બરોડાની એમ એસ યુનિવર્સિટીની ડુપ્લીકેટ માર્કશીટ - ડિગ્રી સર્ટી તૈયાર કરવાનું નેટવર્ક બહાર આવ્યું છે. તેમજ કન્સલ્ટન્સીમાં સીઆઈડીની ટીમે રેડ કરીને કોમ્પ્યુટર, લેપટોપ તેમજ કેટલીક માર્કશીટો સહિતના દસ્તાવેજો જપ્ત કર્યા હતા. જેમાં ચૌધરી સોહમકુમાર લાલાભાઈના નામની અલગ અલગ સેમેસ્ટરની મહારાજા સયાજીરાવ યુનિર્વિસટી ઓફ બરોડાની BCA ની માર્કશીટોની નકલો પ્રાથમિક દ્રષ્ટીએ જ પરીક્ષા લીધા પહેલા પરીણામ જાહેર કરેલ અને ઇસ્યુ કરેલાનું બહાર આવ્યું હતું.