છેલ્લા ઓગણીસ દિવસથી આમ થી તેમ અમારા બાળકની તકલીફની સારવાર માટે દોડી રહ્યા હતા, પણ છેલ્લે સાચી સારવાર સિવિલ હોસ્પિટલ, અમદાવાદમાં જ મળી આ શબ્દો છે બાળકના પિતા જુનેદભાઇના. સુથારી કામ કરતા મંગરોળ, જુનાગઢના રહેવાસી એવા જુનેદ યુસુફ અને તબસ્સુમબેનના લાડકવાયા એવા 9 માસના નાનકડા પુત્ર મોહમ્મદને છેલ્લા ૧૫ દિવસથી ઉધરસ આવતી હતી.


બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યું

જુનાગઢમાં બાળરોગ તજજ્ઞને બતાવતા તેનો છાતીનો એક્સ-રે કરાવતા તેમાં શ્વસનનળીમાં કાંઈક હોવાની માલુમ પડ્યુ હતુ. જુનેદ ભાઇને રાજકોટની ખાનગી હોસ્પિટલ દ્વારા વધુ તપાસની ભલામણ કરવામાં આવી પણ તેનો ખર્ચ તેમને પોષાય તેમ ન હોવાથી તેમના માટે સિવિલ હોસ્પિટલ અમદાવાદ આશાની કિરણ બની જ્યાં સારવાર અર્થે બાળક ને લઇ આવતા તારીખ ૩ જૂન, ૨૦૨૫ ના રોજ બાળકને પીડીયાટ્રીક સર્જરી વિભાગમાં તાત્કાલિક દાખલ કરવામાં આવ્યુ.

શ્વાસનળીમાંથી બ્લબ કાઢવામાં આવ્યો

સિવિલ હોસ્પિટલ, અમદાવાદના પીડિયાટ્રિક સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી તેમજ એનેસ્થેસિયા વિભાગના પ્રોફેસર ડૉ. નિલેશ અને તેમની ટીમ દ્વારા બાળકની બ્રોન્કોસ્કોપી કરી જમણી તરફ ની મુખ્ય શ્વાસનળીમાંથી એક એલઇડી બલ્બ સફળતાપુર્વક બહાર કાઢવામા આવ્યો. ઓપરેશન પછી બાળકની તબીયત ઝડપથી સુધરી રહી છે અને કોઇપણ બીજી તકલીફ વગર બાળક હવે સ્વસ્થ છે જેથી ટુંક સમય માં તેને હોસ્પિટલ માં થી રજા આપવામાં આવશે તેમ ડોક્ટરો એ જણાવ્યુ હતુ.

ડોકટરોએ ભેગા મળીને કરી સર્જરી

સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની નિપુણતા અને નિષ્ઠાપુર્વકની સારવાર નો આ કિસ્સો ગરીબ દર્દીઓ માટે ઉપલબ્ધ સસ્તી અને ઉતમ સારવારનુ જીવંત ઉદાહરણ છે. ડો. જોષી એ બાળરોગ સર્જરી સપ્તાહ વિશે જણાવતા કહ્યું હતુ કે, બાળરોગ સર્જરી સપ્તાહ એ ઇન્ડિયન એસોસિએશન ઓફ પીડિયાટ્રિક સર્જન્સ (IAPS) દ્વારા બાળરોગ અંગેની સર્જિકલ બિમારીઓ અને તેની સારવાર વિશે જાગૃતિ લાવવા માટેની એક વાર્ષિક પહેલ છે. જે દર વર્ષે જૂન મહીનામાં ઉજવવામાં આવે છે. આ વર્ષે બાળરોગ સર્જરી સપ્તાહ ની થીમ “જન્મજાત ખોડખાંપણ માટે બાળરોગ સર્જન” રાખવામાં આવી છે. બાળરોગ સર્જરી સપ્તાહ પ્રસંગે નાના બાળકો ધરાવતા તમામ માતા પિતાને બાળકોમાં થતી જન્મજાત ખામીઓ તેમજ અન્ય બાળ સર્જીકલ બીમારી ઓ વિશે જાગ્રુત રહી પોતાના બાળક માં આવા કોઇપણ લક્ષણ કે તકલીફ જણાય તો તુરંત જ બાળરોગ સર્જન નો સંપર્ક કરવો જોઇએ જેથી વહેલી તકે આવી બીમારીનુ નિદાન કરી બાળકની સમયસર યોગ્ય સારવાર થઇ શકે તેમ ડો. જોષી એ લોકોને સંદેશ આપ્યો હતો. 

  • Follow us on: