- ટાઉન પ્લાનિંગ સ્કીમનો ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન
- જાહેરસભામાં ટીપી હટાવો, ખેડૂત બચાવોના નારા લાગ્યા
- મહિલાઓ માથા ઉપર તગારા-પાવડા લઈને આવ્યા
જુનાગઢ મહાપાલિકા વિસ્તારમાં સમાવિષ્ઠ થયેલા ગામડાઓમાં હજુ ડીપીનો અમલ થયો નથી ત્યારે ટીપીનો અમલ કરી ખેડૂતોની 40 ટકા જમીન કપાત કરવા અને તેના ઉપર બેટરમેંટ ચાર્જ વસુલવા સામે ખેડૂતોનો વિરોધ વંટોળ ઉઠ્યો છે. આજે 25 જેટલા ટ્રેક્ટરમાં બેસીને માથા ઉપર તગારા-પાવડા લઈને આવી પહોંચેલા અંસખ્ય ખેડૂત ભાઈઓ-બહેનોએ શહેરના સરદાર ચોક પાસે જાહેર સભા કરીને એકસાથે વિરોધ નોંધાવી ટીપી હટાવો ખેડૂત, બચાવોના નારા લગાવ્યા હતા.
ભારતીય કિસાન સંઘના પ્રમુખની આગેવાની
ભારતીય કિસાન સંઘના પ્રમુખ મનસુખ પટોળીયાની આગેવાનીમાં આજે ઝાંઝરડા, સુખપુર, જોશીપરા અને ટીંબાવાડીના ખેડૂત ખાતેદાર ભાઈઓ-બહેનો સવારે 10.30 કલાકે ઝાંઝરડા ચોકડીએ એકત્ર થયેલા અને અહીંથી 25 જેટલા ટ્રેક્ટરમાં બેસીને બેનરો-સૂત્રોચ્ચાર સાથે સરદારબાગ ઝાંસીની રાણીના સર્કલ સુધી રેલી કાઢી હતી, બાદમાં ચોકમાં જાહેરસભાનું આયોજન કર્યું હતું.
ટાઉન પ્લાનિંગ સ્કિમનો વિરોધ
ખેડૂત આગેવાનોએ ટાઉન પ્લાનિંગ સ્કિમનો વિરોધ કરતા જણાવ્યું હતું કે, ગામડાઓ મનપા વિસ્તારમાં સમાવિષ્ઠ થયા હતાં ત્યાં તંત્રએ બે દાયકા બાદ પણ પાણી, રસ્તા, સ્ટ્રીટલાઈટ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવી શક્યું નથી અને ટીપીના નામે ખેડૂતોની 40 ટકા જમીન કપાત કરી તેના વિકાસ માટે બેટરમેંટ ફી વસુલવાનો તઘલઘી નિર્ણય લેવામાં આવ્યો છે.
તંત્રના પેટનું પાણી હલતું નથી
જુનાગઢ, એ કોઈ મોટું શહેર નથી. મહાપાલિકા બનાવતી વખતે વસ્તીને ધ્યાનમાં રાખી ગામડાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. પરંતુ ગામડાના લોકોને મનપાના વધુ વેરા ભરપાઈ કરવા પડે છે. તેની સામે કોઈ લાભ મળ્યો નથી. રસ્તાઓ આડેધડ ખોદી નાખવામાં આવ્યા છે. લોકો તેમાં પડે છે, પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી.
ટીપી સ્કિમ હટાવો, ખેડૂત બચાવો
જ્યારે આવા વિકાસના નામે ઠોકી બેસાડેલી ટીપી સ્કિમ હટાવો, ખેડૂત બચાવો ના નારા સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. જાહેરસભા બાદ ખેડૂતો ટ્રેક્ટરમાં બેસીને રેલી સ્વરૂપે જિલ્લા કલેકટર કચેરી તરફ ગયા હતા અને ત્યાં જઈ ઘેરાવ કર્યો હતો.