ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયા બેકફૂટ પર જોવા મળી રહી છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી વિરાટ કોહલી આ મેચની પ્રથમ ઈનિંગમાં ફરી એકવાર ફ્લોપ સાબિત થયો છે. જે બાદ કોલ્હી પર અનેક સવાલો ઉઠવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ કોહલી પર પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે.
કોહલી માત્ર 1 રન બનાવીને આઉટ
પુણે ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં વિરાટ કોહલીનો ફ્લોપ શો જોવા મળ્યો હતો. કોહલી આ ઇનિંગમાં માત્ર 1 રન બનાવીને આઉટ થયો હતો. કોહલીને મિશેલ સેન્ટનર દ્વારા ક્લીન બોલ્ડ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ ક્રિકેટમાં કોહલીની સદીની ચાહકો લાંબા સમયથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે કોહલી દરેક વખતે ચાહકોને નિરાશ કરે છે. સોશિયલ મીડિયા પર એક યુઝરે લખ્યું કે મહાન કોહલી આ ફુલ ટોસ બોલ પણ નથી રમી શકતો, કોહલીને શું થયું છે?
તમને જણાવી દઈએ કે, કોહલી લાંબા સમયથી ટેસ્ટ ક્રિકેટમાં સદી ફટકારી શક્યો નથી. કોહલીએ બેટ વડે છેલ્લી ટેસ્ટ સદી વર્ષ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે ફટકારી હતી. કોહલીએ આ મેચમાં 121 રન બનાવ્યા હતા. ત્યારથી કોહલી ટેસ્ટમાં સદી ફટકારવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.
ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે વિરાટ કોહલી
આ દિવસોમાં વિરાટ કોહલીનો ખરાબ સમય ચાલી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી ટેસ્ટ ક્રિકેટમાં કોહલીનો બેટિંગ ગ્રાફ પણ નીચે આવ્યો છે. છેલ્લી 26 ટેસ્ટ ઇનિંગ્સમાં કોહલીએ 28.85ની એવરેજથી માત્ર 606 રન જ બનાવ્યા છે. આ દરમિયાન તેની વિકેટ પણ 21 વખત પડી છે.
ટીમ ઈન્ડિયા 156 રનમાં ઓલઆઉટ થઈ
પુણે ટેસ્ટના પ્રથમ દાવમાં ટીમ ઈન્ડિયા બીજા દિવસે માત્ર 156 રનમાં સમેટાઈ ગઈ હતી. ભારત તરફથી રવિન્દ્ર જાડેજાએ સૌથી વધુ 38 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય યશસ્વી જયસ્વાલ અને શુભમન ગીલે 30-30 રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડ તરફથી મિશેલ સેન્ટનરે શાનદાર બોલિંગ કરતા સૌથી વધુ 7 વિકેટ લીધી હતી.