ગીર સોમનાથ જિલ્લામાં ઇન્કમટેક્સ વિભાગનો મોટો છબરડો સામે આવ્યો છે. વેરાવળમાં યુવકને ઇન્કમટેક્સ વિભાગ તરફથી મળેલ નોટિસને લઈને મોટો હોબાળો મચ્યો છે. IT વિભાગે વેરાવળના યુવકને 1 અબજ 18 કરોડની નોટિસ ફટકારી. ઇન્કમ ટેક્સ વિભાગ તરફથી આટલા મોટા રકમની નોટિસ મળતા યુવક ગભરાયો.  યુવકે IT વિભાગને આ મામલે લેખિતમાં જાણ કરતાં કહ્યું કે આ નોટિસને લઈને વધુ વિગતે તપાસ કરે.


ઇન્કમટેક્સની નોટિસ 

સામાન્ય રીતે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા પાછલા વર્ષોમાં બાકી રહેલી ટેક્સની રકમ ન ચુકવવાને લઈને નોટિસ ફટકારવાની કામગીરી કરવામાં આવતી હોય છે. તેમજ કોઈપણ વ્યક્તિ વિભાગીય દ્વારા કરવામાં આવતી તપાસમાં દોષિત સાબિત થાય તો તેની સામે નોટિસ ફટકારવા ઉપરાંત કાયદા કિય પગલા પણ લેવામાં આવે છે. હાલમાં વેરાવળ ઇન્કમટેક્સ વિભાગે એક વ્યક્તિને 1 અબજ 18 કરોડની નોટિસ ફટકારતા મામલો વિવાદમાં આવ્યો છે. આ વ્યક્તિ કોઈ વેપારી કે માલેતુજાર કે કરોડપતિ નહીં પરંતુ સામાન્ય વ્યક્તિ છે. અને એટલે જ યુવક સહિત તેમના પરિવારના લોકો ઇન્કમટેક્સ વિભાગની કામગીરીને લઈને રોષે ભરાયા છે.

સામાન્ય યુવકને મળી અબજોની નોટિસ

વેરાવળની કોડીનારમાં હોટલમાં નોકરી કરતાં સામાન્ય વ્યક્તિને અબજોની નોટિસ મળતા પરિવાર ચિંતિત થયો. હોટલમાં કામ કરતા યુવકનું નામ આસીફ મહમદ છે. કે જે હોટલમાં કામ કરી પોતાના પરીવારનું ગુજરાન ચલાવે છે. હોટલમાં કામ કરતા યુવકને ઇન્કમ ટેક્સ વિભાગ દ્વારા એક વખત નહીં પરંતુ ત્રણ ત્રણ વાર નોટિસ ફટકારવામાં આવી. IT વિભાગની નોટિસ મળતા સામાન્ય માણસ ગભરાયો. આસીફ ઇન્કમટેક્સ વિભાગને આ મામલે લેખિતમાં જાણ કરી વધુ વિગત તપાસ કરવા રજૂઆત કરી. આસીફે કહ્યું કે તેના બેક ખાતામાં માત્ર 475 રૂપિયા છે તો કેવી રીતે તે દંડની રકમની ચૂકવણી કરશે. હોટલમાં કામ કરનાર યુવકને મહિને 10 હજારનો પગાર મળે છે અને બેંકમાં વધુ નાણાં પણ નથી અને ના તો તેણે ક્યાંય મોટાપાયે પૈસાનું રોકાણ કર્યું છે તો કેવી રીતે ઇન્કમટેક્સ વિભાગ તેને આટલી મોટી રકમની નોટિસ ફટકારી શકે છે. 

ઇન્કમટેક્સ વિભાગની ઘોર બેદરકારી

અગાઉ પણ સાબરકાંઠાના ઈડરના એક સ્થાનિકને 36 કરોડ રુપિયાની ઇન્કમટેક્સ વિભાગે નોટિસ ફટકારતા સમગ્ર ગ્રામ્ય વિસ્તારમાં ખભરાટ સર્જાયો છે. ઇન્દિરા આવાસ યોજના અંતર્ગત 36,000ની સહાય મેળવી સામાન્ય ખાનગી કંપનીમાં ₹12,000ની નોકરી કરતા યુવાનને કરોડની નોટિસ મળી હતી. આ મામલે પરિવારજનોએ ઇડર પોલીસ મથક અને ઈનકમટેક્સ વિભાગમાં પણ જાણ કરી છે. પરંતુ પોલીસ અને ઇન્કમટેક્ષ વિભાગ સામાન્ય પગારદારને મદદ ના કરી અને ના તો કોઈ યોગ્ય પ્રત્યુતર આપ્યો. સાબરકાંઠા બાદ વેરાવળના કોડીનારમાં હોટલમાં 10 હજાર રૂપિયાના પગારદારને અબજો રૂપિયાની નોટિસ મળી. આઈટી વિભાગના છબરડાનો ભોગ બનનાર યુવાન આસીફ દ્વારા પોતાને ખોટી નોટિસ મળ્યાની લેખિત રજુઆત કરાઈ છે. આ મામલે આઈટી વિભાગ તરફથી કોઈ પ્રતિક્રિયા સામેે આવી નથી.  વેરાવળ ઇન્કમટેક્સ વિભાગનો છબરડો કે પછી આ વ્યક્તિના નામે કોઈએ કૌભાંડ કર્યું તેની ચર્ચા થઈ રહી છે. 



  • Follow us on: