- જામનગર સિવિલ હોસ્પિટલમાં તૈયારીઓ હાથ ધરાઈ
- ચીનની રહસ્યમયી બીમારીને ધ્યાને લઈ સતર્કતા
- તંત્ર દ્વારા ઉપલબ્ધ માનવબળ, દવાઓ વગેરેની સમીક્ષા કરાઈ
ચીનમાં ફેલાઈ રહેલી બાળકોની રહસ્મય બીમારીને લઈને કેન્દ્ર અને રાજ્ય સરકારો સતર્ક થઈ છે અને તંત્રોને સાબદા કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે સૌરાષ્ટ્રની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ ગણાતી જામનગર શહેરની જીજી હોસ્પિટલ દ્વારા પણ તૈયારીઓ કરવામાં આવી છે. આ મામલે તકેદારીના ભાગરૂપે હોસ્પિટલ તંત્ર દ્વારા પગલાં લઈને સજ્જતા કેળવવામાં આવી છે.
કોરોના પછી ચીન ફરી એક વખત રહસ્યમય બીમારી સાથે ઝઝૂમી રહ્યું છે. આ અંગે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) એ પણ ચેતવણી જાહેર કરી છે. આ રોગ મોટેભાગે બાળકોને જ ટાર્ગેટ કરે છે. હાલમાં ચીનમાં એવી સ્થિતિ છે કે સરકારે ઘણી શાળાઓને આ બીમારીને જોતાં બંધ કરવાનો આદેશ આપ્યો છે. ભારતમાં પણ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને કોરોના જેવી ગાઈડલાઈન્સનું પાલન કરવાની સલાહ આપી હતી. એવામાં હવે કેન્દ્ર સરકાર પછી રાજ્ય સરકાર પણ એક્ટિવ થઈ ગઈ છે અને રાજ્ય સરકાર દ્વારા આરોગ્ય અધિકારીઓ તેમજ હોસ્પિટલ તંત્ર માટે કેટલીક સૂચનાઓ જાહેર કરવામાં આવી છે.
ત્યારે બીજી તરફ સૌરાષ્ટ્રની સૌથી મોટી અને રાજ્યની બીજા નંબરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ એવી જીજી હોસ્પિટલ પણ આ બાબતે એક્ટિવ થઈ ગઈ છે. જીજી હોસ્પિટલમાં પણ મેડિકલ ડીન, હોસ્પિટલ અધીક્ષક, અધિકારીઓ અને હોસ્પિટલ તંત્ર દ્વારા ઉપલબ્ધ બેડની સુવિધા, મેડિકલ-દવાઓના જથ્થાની ઉપલબ્ધતાની વગેરેની ખાતરી કરવાની સૂચના અપાઈ હતી. જેના પગલે સમીક્ષા કામગીરી હાથ ધરીને સજ્જતા કેળવાઈ હોવાનું સામે આવ્યું છે. આ સિવાય હોસ્પિટલમાં પી.એસ.એ. પ્લાન્ટ, લિક્વિડ ઓક્સિજન પ્લાન્ટ, કોન્સ્નટ્રેટર, ફાયર સેફ્ટીના સાધનો, તમામ કેસોનું દૈનિક મોનિટરીંગ, સ્ટાફની અવેલેબિલિટી, જરૂરી સાધનો, દવા, પીપીઈ કીટ વગેરે મામલે પૂરતી તૈયારી રાખવાની સૂચના આપી દેવામાં આવી છે અને તમામ સાધનો અને વ્યવસ્થાની સાથે જામનગર જીજી હોસ્પિટલનું વહીવટી તંત્ર પણ આકસ્મિક સંજોગોને લઈને સતર્ક બની ગયું છે.
નોંધનીય છે કે ચીનની રહસ્યમયી બીમારીને જોતા રાજ્ય સરકાર દ્વારા રાજ્યની તમામ નાની-મોટી હોસ્પિટલો અને જિલ્લા-તાલુકા આરોગ્ય તંત્રોને સતર્ક કરવાની પહેલ કરવામાં આવી છે. આ મામલે રાજ્યની અન્ય સિવિલ હોસ્પિટલો દ્વારા પણ આવાં પગલા ભરવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ આકસ્મિક સંજોગો સામે પહોંચી વળવા માટે આરોગ્ય તંત્ર દ્વારા સતર્કતા રાખવામાં આવી રહી છે.