જામનગરના આયુર્વેદની દવાના વેપારી યુવાનને પ્રેમજાળમાં ફસાવી એક પરિણીતાએ ત્રણેક વર્ષ સુધી ખંખેર્યાનો કિસ્સો જામનગરમાં સામે આવ્યો છે. આ સાથે-સાથે યુવાનના વાંધાજનક ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેણીએ પૈસા કઢાવ્યા પછી રૂપિયા 1 લાખનો સોનાનો હાર કઢાવી લઈ આ યુવાનના પત્ની તથા બાળકોને ઘરમાં ઘૂસી ગાળો ભાંડી તોડફોડ આચરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાતા આખરે મામલો પોલીસ સમક્ષ પહોંચ્યો છે.


વાંધાજનક ફોટા બતાવી બ્લેકમેઈલીંગ શરૂ કર્યુ

જામનગરના રણજીતસાગર રોડ પર સાધના કોલોનીમાં વસવાટ કરતા મૂળ કચ્છના આદીપુરના વતની અલ્પેશ ચંદુભાઈ વાળા નામના તુરી બારોટ યુવાને જામનગરના સત્યમ કોલોની વિસ્તારમાં વસવાટ કરતા તેમના પાડોશી એવા એક મહિલા તથા પ્રવીણસિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલ સામે સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હનીટ્રેપ અંગે ફરિયાદ નોંધાવી છે. વર્ષ 2021માં અલ્પેશભાઈના સંપર્કમાં સત્યમ કોલોની નજીકના કૃષ્ણનગરમાં રહેતા પરિણીતા આવ્યા પછી અલ્પેશભાઈને પ્રેમજાળમાં ફસાવી લેવાયા હતા અને તેઓના કેટલાક વાંધાજનક ફોટા પાડી લેવાયા હતા. ત્યારપછી આ ફોટા બતાવી તે પરિણીતાએ અલ્પેશભાઈને બ્લેકમેઈલીંગ શરૂ કર્યું હતું.

મહિલા તથા અન્ય વ્યક્તિએ ઘરમાં ઘુસી તોડફોડ કરી નાખી

અવારનવાર પૈસા પડાવતા આ મહિલાએ જાનથી મારી નાખવા ધમકી આપી રૂપિયા 1 લાખની કિંમતનો સોનાનો હાર પણ ઝૂંટવી લીધો હતો અને અલ્પેશભાઈના પત્ની તથા બાળકોને પણ ગાળો ભાંડી ધમકી આપી ઘરમાં ઘૂસી જઈ તે મહિલા તથા પ્રવીણસિંહ ઝાલા અને મહાવીરસિંહ ગોહિલે તોડફોડ કરી નાખી હતી. તેમજ જ્ઞાતિ પ્રત્યે હડધુત કર્યા હતા અને આ બનાવ બાદ ફરિયાદી દોઢ વર્ષ સુધી જામનગર છોડી અન્ય જિલ્લામાં વસવાટ કરવા ચાલ્યા ગયા હતા.

અલગ અલગ ક્લમો હેઠળ નોંધાઈ ફરિયાદ

હાલ ઉપરોક્ત ગુન્હો જામનગર સીટી એ ડિવિઝનના પીઆઈથી પીએસઆઈ એલ.બી. જાડેજાએ આઈપીસી 504, 506 (2), 386, 427, 447, 114 હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભોગ બનનાર યુવાને પોતાને થતી હેરાનગતિ અંગે પોલીસ તથા મુખ્યમંત્રી સુધી રજૂઆત કર્યા પછી જામનગર એસપીએ આ ફરિયાદીને ડર્યા વગર ફરિયાદ કરવા માટે આગળ આવવા હિંમત આપી હતી. જેના પગલે ઉપરોક્ત ફરિયાદ કરવામાં આવી છે. હાલ પોલીસ દ્વારા ઉપરોક્ત આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.


  • Follow us on: