ગુજરાતમાં નકલી અધિકારીઓની બોલબાલા વચ્ચે જામનગરના કટલરીના એક વેપારી નકલી અધિકારીનો ભોગ બન્યા છે.આરોપીએ એસઓજી પોલીસના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી કટકે કટકે 1.57 લાખ રૂપિયા પડાવી લીધા હતા.કટલરીના વેપારીના મામા નારકોટિકના કેસમાં જેલમાં હોવાથી તેમાં તેનું નામ નહીં ખોલાવવા માટે પૈસા માંગ્યા હતાં. ત્યારબાદ મામલો પોલીસ મથકમાં પહોંચતા ખળભળાટ મચી ગયો છે.હાલ સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થતા પોલીસે આરોપીને પકડી પાડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.


આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી

જામનગરમાં નવીવાસ વિસ્તારમાં રહેતા અને કટલરીનો વેપાર કરતાં મોહમ્મદ રિયાન ઇમ્તિયાઝભાઈ શેખ નામના 19 વર્ષના યુવાને અજાણ્યા શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.જેમાં જણાવ્યા અનુસાર જામનગર એસ.ઓ.જી.અધિકારીના રાઈટર તરીકેની ખોટી ઓળખ આપી આરોપીએ ફરિયાદીને ધમકી આપી હતી. ફરિયાદી યુવાન મોહમ્મદભાઈ શેખના મામા કે જેઓ છેલ્લા 10 માસથી ડ્રગ્સ અંગેના કેસમાં જામનગરની જિલ્લા જેલમાં છે.જેને જેલમાં જઈને મદદ કરવા અંગે તેમજ પોતાના મામા સાથે આ કેસમાં સંડોવાયેલા છે અને તેમાં તેનું નામ કઢાવી નાખવા અંગે અજાણ્યા શખ્સ દ્વારા ફરિયાદી પાસે પૈસાની માંગણી કરાઈ હતી.

આરોપીને સંતોષ ન થતા વધુ પૈસાની માંગણી કરી

ફરિયાદી વેપારી યુવાનનું પોતાના મામા સામેના કેસમાં નામ નહીં જોડવા અંગે ગુગલ પે મારફતે કટકે કટકે 1.57 લાખ રૂપિયા મોકલી દીધા હતા. જે રકમ આપી દીધા બાદ પણ આરોપીને સંતોષ ન થતા વધુ પૈસાની માંગણી કરી હતી.જેને લઇને આખરે મોહમ્મદ રિયાને જામનગરના સીટી એ.ડિવિઝન પોલીસ મથકમાં મોબાઈલ નંબરના ધારક સામે ફરિયાદ નોંધાવી હતી.ફરિયાદના અનુસંધાને દરબારગઢ પોલીસ ચોકીના પીએસઆઇએ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી અને આરોપીના મોબાઈલ નંબરના આધારે તેને શોધી કાઢવા માટેની કવાયત હાથ હતી.

આરોપી સામે પાંચ ગુના નોંધાયા છે

આ ગુન્હામાં સંડોવાયેલો શખ્સ સલાયાનો શબ્બીરહુસેન હારૂન ભગાડ હોવાનું ખૂલ્યું હતું.આ આરોપી હાલમાં જામનગરની જિલ્લા જેલમાં હોવાનું ખૂલતા પોલીસે તેનો ટ્રાન્સફર વોરંટના આધારે જેલમાંથી કબજો મેળવ્યો છે અને તેને રિમાન્ડ પર લેવાની તજવીજ કરાઈ રહી છે.પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સે નકલી પોલીસ બની આવી રીતે પાંચેક ગુન્હાને અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે.સિટી એ ડિવિઝન ઉપરાંત સિટી સી ડિવિઝન અને દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તેમજ ખંભાળિયા,ભાણવડ પોલીસ મથકમાં આ શખ્સ સામે પાંચ ગુન્હા નોંધાયેલા છે.થોડા દિવસ પહેલાં દ્વારકા જિલ્લા પોલીસે તેની ધરપકડ કરી જેલ હવાલે કર્યા પછી તેનો કબજો સિટી એ ડિવિઝન પોલીસે સંભાળ્યો છે.

  • Follow us on: