ગુજરાતમાં કોરોના વાયરસે ફરીથી પગપેસારો કરતા જુનાગઢ સિવિલ હોસ્પિટલનું તંત્ર ફરી એકવાર એલર્ટ મોડમાં આવી ગયું છે. સિવિલ હોસ્પિટલનું તંત્ર 800 બેડની તૈયારી સાથે સજ્જ બન્યું છે. રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગના સૂચન પરથી દરેક જિલ્લામાં હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જુનાગઢ જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં પણ તંત્ર દ્વારા તમામ જરૂરી વ્યવસ્થાઓ પૂરજોશમાં પૂર્ણ કરી દેવાઈ છે.


ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો

સિવિલ હોસ્પિટલ ખાતે 800 બેડ ઉપલબ્ધ છે, જે તમામ ઓક્સિજન લાઈન સાથે જોડાયેલા છે અને કોરોના સંક્રમિત દર્દીઓની તાત્કાલિક સારવાર માટે સજ્જ છે. જો દર્દીઓની સંખ્યા વધુ વધે તો વધુ બેડ ઉપલબ્ધ કરાવવા માટે પણ તંત્ર તૈયાર છે. ઓક્સિજન સપ્લાય માટે 21,000 લીટરની ટેન્ક પણ તૈયાર કરવામાં આવી છે. તેમજ 10,000 લીટરની ટેન્ક સ્ટેન્ડ બાય પણ રાખવામાં આવી છે. આ ઉપરાંત ઓક્સિજન પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે. જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં કોરોનાની ચકાસણી માટે જરૂરી RT-PCR તથા એન્ટિજન ટેસ્ટ માટેની તમામ પ્રકારની કીટ્સ પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં દવાઓનો પૂરતો જથ્થો પણ મોકલવામાં આવ્યો છે. સાથે જ PPE કીટ્સ, વેન્ટિલેટર, ઓક્સિજન સિલિન્ડર વગેરેની પણ વ્યવસ્થા ચોક્સાઈ સાથે ઉભી કરવામાં આવી છે.

2 દિવસ પહેલા અમદાવાદમાં 7 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

તમને જણાવી દઈએ કે 20 મેએ અમદાવાદમાં કોરોનાએ ફરી દસ્તક દીધી હતી. શહેરમાં 7 કોરોા પોઝિટિવ કેસ નોંધાયા હતા. શહેરના વટવા, નારોલ, દાણીલીમડા, બહેરામપુરા, ગોતા, નવરંગપુરા અને બોપલમાં 1-1 કેસ પોઝિટિવ નોંધાયા હતા. કૂલ 4 પુરુષ અને 3 મહિલા કોરોના પોઝિટિવ હતા. સારવાર માટે તમામ દર્દીઓને હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યા છે. એક સાથે 7 કેસ શહેરમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં પણ ચિંતામાં છે અને એક્શન મોડમાં આવીને કામગીરી શરૂ કરી દીધી છે.


  • Follow us on: